Twitter suspended the accounts of several journalists in the US

ટ્વિટરે તાજેતરમાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ સહિત અનેક સંસ્થાનોમાં કાર્યરત પત્રકારોના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા છે. ન્યૂઝ એજન્સી-રોઇટર્સના રીપોર્ટ અનુસાર, જે પત્રકારોના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે તમામે ટ્વિટરના માલિક બદલાયા પછી તાજેતરમાં એલન મસ્ક અંગે લખ્યું હતું.

એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અંગે જવાબ આપતા એલન મસ્કે જણાવ્યું હતું કે, બીજા લોકોની જેમ ડોક્સિંગ રુલ્સ પત્રકારો પર પણ લાગુ થાય છે. ટ્વિટરના નિયમો મુજબ અંગત માહિતી આપવાની બાબતને ડોક્સિંગ કહેવાય છે. એલન મસ્કે વધુમાં જણાવ્યું હતું કે, આખો દિવસ મારી ટિકા કરો તે બાબત સંપૂર્ણ યોગ્ય છે, પરંતુ મારું રીયલટાઇમ લોકેશન જણાવવું અને મારા પરિવારને જોખમમાં મુકવો તે યોગ્ય નથી. ટ્વિટર દ્વારા ટાઇમ્સના રીપોર્ટર રેયાન મેક, પોસ્ટના રીપોર્ટર ડ્રુ હારવેલ, સીએનએનના રીપોર્ટર ડોની ઓ સુલિવન, મેશેબલના રીપોર્ટર મેટ બિન્ડરના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમેરિકન નીતિઓ અને રાજકીય બાબતોનું રીપોર્ટીંગ કરનાર ફ્રીલાન્સ પત્રકાર આરોન રુપરનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રોઇટર્સના રીપોર્ટમાં ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ન્યૂયોર્ક ટાઇમ્સના રેયાન મેક સહિત અનેક મુખ્ય પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવાનું કાર્ય શંકાસ્પદ અને કમનસીબ છે. આ અંગે ટાઇમ્સ અને રેયાન તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અમને આશા છે કે, તમામ પત્રકારોના એકાઉન્ટ્સ ફરીથી શરૂ કરાશે અને ટ્વિટર તે અંગે સંતોષકારક સ્પષ્ટિકરણ જાહેર કરે.

સોશિયલ મીડિયા કંપની માસ્ટોડોનના અધિકૃત એકાઉન્ટ્ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓક્ટોબરમાં મસ્કના ટ્વિટર ખરીદ્યા પછી વિકલ્પ તરીકે બહાર આવ્યું છે. જોકે, આ અંગે માસ્ટોડોન તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

LEAVE A REPLY