Elon Musk acquitted in 2018 Tesla tweet case
FILE PHOTO REUTERS/Dado Ruvic/Illustration

ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ડીલ કરી છે. ઈલોન મસ્ક સાથેના સોદા સાથે ટ્વીટરે જણાવ્યું હતું કે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. ટ્વીટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી.

ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વીટર ખરીદવા માંગે છે, કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વીટર મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

ટ્વીટર ખરીદ્યાના અહેવાલ બાદ ઈલોન મસ્કે ટ્વીટ કર્યું હતું કે “હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વીટર પર રહે, કારણ કે ફ્રી સ્પીચનો આ જ તો અર્થ થાય છે.” મસ્કનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું હતું. ટ્વીટરના શેરહોલ્ડર્સને પ્રતિ શેર $54.20 મળશે જે તેના 1 એપ્રિલના કામકાજના દિવસના બંધ ભાવના આશરે 38 ટકા પ્રીમિયમ છે. મહત્વનું છે કે 1 એપ્રિલના રોજ ઈલોન મસ્કે કંપનીમાં સૌથી વધુ શેર ખરીદી લીધા હોવાનું જાહેર કર્યું હતું. જે બાદ કંપનીના શેરના ભાવમાં જોરદાર તેજી આવી હતી. આ ડીલની જાહેરાત સોમવારે મોડી રાત્રે કરવામાં આવી હતી.

ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટ્વીટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભવિષ્યની મહત્વની વાતો પર ચર્ચા થાય છે.’ તો ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટ કરી કહ્યું કે ‘ટ્વીટરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસ સંભાવના છે. હું કંપની અને તેના યુઝર્સની કોમ્યુનિટી સાથે આ પોટેન્શિયલને બહાર લાવવા માટે કામ કરવાની દિશામાં આશા રાખું છું.’
ઈલોન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટરમાં આશરે 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે મસ્ક ટ્વીટરના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા. જો કે, બાદમાં વેનગાર્ડ ગ્રૂપ દ્વારા રાખવામાં આવેલા ફંડે ટ્વીટરમાં 10.3 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

જોકે હજુ સવાલ એ છે કે આ ડીલને પૂરી કરવા માટે મસ્કે જે વ્યક્તિગત ખાતરી આપી છે તે 21 બિલિયન ડોલરના ઇક્વિટી ભાગને ખરીદવા માટે કેશ કેવી રીતે કાઢશે? 50 વર્ષના આ ધનાઢ્ય બિઝનેસમેન મસ્કે સોશિયલ મીડિયા કંપની દ્વારા લેવામાં આવેલ 13 બિલિયન ડોલરના બેન્ક ધિરાણ અને 12.5 બિલિયન ડોલરને પોતાના ટેસ્લા ઇન્કમાં રહેલા 170 બિલિયનના શેર મારફત ચુકવણીની રુપરેખા આપી હતી. જોકે બાકી રહેતી રકમને તેઓ કઈ રીતે ચુકવશે અથવા તો ભેગી કરશે તેના પર કોઈ સ્પષ્ટતા આપી નહોતી. કેટલાક માને છે કે ઈલોન મસ્ક આટલી મોટી રકમ કેશમાં જમા કરી શકશે કે નહીં તે અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. બ્લુમબર્ગ બિલિયોનિયર ઇન્ડેક્સ મુજબ મસ્ક હાલ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 257 ડોલર જેટલી થાય છે.