ભારત સરકારે શનિવારે ટ્વીટરને નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે કંપનીને ભારતના નવા આઇટી નિયમોનું તાકીદે પાલન કરવા માટે છેલ્લી નોટિસ આપવામાં આવે છે. જો કંપની નવા ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો તે આઇટી એક્ટ હેઠળ લાયેબિલિટીમાંથી મુક્તી ગુમાવશે. જોકે નોટિસમાં નિયમોના પાલન અંગે કોઇ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરાઈ નથી.
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે નોટિસમાં જણાવ્યું હતું કે 28 મે અને 2 જૂનના રોજ પ્રાપ્ત થયેલા તમારા જવાબથી નિરાશા પ્રાપ્ત થઈ છે, કારણ કે તમને જે પૂછવામાં આવ્યું હતું, તે અંગે કંપનીએ સ્થિતિ સ્પષ્ટ કરી નથી અને નવા નિયમોનું સંપૂર્ણપણે પાલન કર્યું નથી.
મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમોનું પાલન કરવાનો ટ્વીટરનો ઇનકાર દર્શાવે છે કે કંપની તેના પ્લેટફોર્મ પર ભારતના લોકો માટે સુરક્ષિત વાતાવરણ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા ધરાવતા નથી. ભારત સરકારે 26 મે 2021થી નવા નિયમો જારી કર્યા છે. ટ્વીટરે તેનું પાલન કર્યું નથી.
સરકારની નવી ગાઈડલાઇન્સને કારણે ટ્વીટર અને સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. નવી ગાઈડલાઈન્સને અત્યાર સુધી ટ્વીટરે સ્વીકારી નથી. થોડા દિવસો પહેલાં કથિત ટૂલકિટ કેસમાં દિલ્હી પોલીસે ટ્વિટર ઈન્ડિયાની દિલ્હી અને ગુરુગ્રામની ઓફિસમાં રેડ કરી હતી.