ટ્વીટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેક ડોર્સીએ કોરોના વાઇરસના રોગચાળા સામેના જંગ માટે એક બિલિયન ડોલરનું દાન આપ્યું છે. જેક ડોર્સીની 3.9 બિલિયન ડોલરની નેટવર્થ છે, આ દાન તેની કુલ સંપત્તિના 28 ટકા છે. ટ્વીટરના સહસ્થાપકે જણાવ્યું હતું કે, તાત્કાલિક જરૂરિયાત વધી રહી હોવાથી આ દાન કર્યું છે. જીવન ઘણું ઓછું છે, તેથી લોકોને મદદ કરવા આજે ઘણું કરીએ.’ એક અહેવાલ પ્રમાણે કોઇ વ્યક્તિ દ્વારા વિશ્વભરમાં કોરોના સામે લડવા માટે આપવામાં આવેલું આ સૌથી મોટું દાન છે. જેફ બેઝોસનો સમાવેશ વિશ્વના ટોચના સૌથી ધનિકોમાં થાય છે. તેમણે અમેરિકન ફૂડ બેંકને 100 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ ટ્ટવીટર અને સ્ક્વેરના સહ-સ્થાપક જેક ડોર્સીની સંપત્તિ 3.9 બિલિયન ડોલર છે. જોકે, જેક ડોર્સીએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે કોરોના સામે લડવા માટે આ ડોનેશન તે કોને આપશે. ડોર્સીએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે આ મહામારીના અંત પછી અમારું ધ્યાન કન્યા કેળવણી અને તેમનાં આરોગ્ય પર છે. તેઓ પારદર્શક રીતે કાર્ય કરશે.