દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે બીજા કોઇ કરતાં ટીવી ડિબેટથી વધુ પ્રદૂષણ ફેલાય છે અને કોર્ટમાં કરવામાં આવેલા નિવેદનો સંદર્ભ વગર લેવામાં આવે છે.
ચીફ જસ્ટિસ એન વી રમનાના વડપણ હેઠળના ખંડપીઠે જણાવ્યું હતું કે દરેકને પોતાનો એક એજન્ડા હોય છે અને આ ચર્ચામાં આ નિવેદનને સંદર્ભ વગર લેવામાં આવ્યું છે. ખંડપીઠે જણાવ્યું હતું કે તમે કોઇ મુદ્દાનો ઉપયોગ કરવા માગો છે અને અમે અવલોકન કરીએ તેવું ઇચ્છો છો અને પછી તેને વિવાદ બનાવો છે અને આ પછી દોષારોપણની રમત ચાલુ થશે.
ખંડપીઠે જણાવ્યું હતું કે ટીવીની ડિબેટ બીજા કોઇ કરતાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. શું થઈ રહ્યું છે અને શું મુદ્દો છે તે તેઓ સમજતા નથી. નિવેદનનો સંદર્ભ વગર લેવામાં આવે છે. દરેકને તેમનો પોતાનો એજન્ડા હોય છે. અમે કંઇ ન કરી શકીએ અને અમે અંકુશ ન મુકી શકીએ. અમે ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ.
દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં હવાના પ્રદૂષણ અંગેની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. દિલ્હી સરકાર વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીના નિવેદનની પ્રતિક્રિયા રૂપે કોર્ટે આ મોખિક ટીપ્પણી કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે હવાના પ્રદૂષણના પરાલી મોટો ભાગ ભજવે છે અને તેનો ઉકેલ લાવવાની જરૂર છે અને આ મુદ્દે કેન્દ્રનો ઉલ્લેખ કર્યો હતો.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ટીવી ડિબેટનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેઓ દાવો કરે છે કે પ્રદૂષણમાં પરાલીના યોગદાન અંગે તેમણે સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરી છે. જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે કોઇપણ રીતે ગેરમાર્ગે દોરાયા નથી. તમે કહો છે કે 10 ટકા પ્રદાન છે, પરંતુ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે 30થી 40 ટકા પ્રદાન છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે તમે જાહેર ઓફિસમાં હોવ ત્યારે આ પ્રકારની ટીકા થાય છે. અમે સ્પષ્ટ છીએ. આ તમામ ભૂલી જાઓ. આ પ્રકારની ટીકા થતી રહે છે. અમારો અંતરાત્મા સ્પષ્ટ છે અને અમે સમાજના કલ્યાણ માટે કામ કરીએ છીએ.