ફિલ્મ અને ટીવીની 21 વર્ષીય અભિનેત્રી 21 વર્ષીય તુનિષા શર્માએ શનિવાર, 24 ડિસેમ્બરે મુંબઈમાં ટીવી સિરિયલના સેટ પર કથિત રીતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ પોલીસે 26 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 27 વર્ષીય સહ-અભિનેતા શીઝાન ખાનની ધરપકડ કરી હતી. ઊભરતી ટીવી એક્ટ્રેસની કથિક આત્મહત્યાથી લવ જેહાદનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તુનિષા શર્મા અને તેના બોયફ્રેન્ડ શીઝાન ખાન વચ્ચે હાલમાં થયેલું બ્રેકઅપ તેના જીવન ટૂંકાવવા પાછળનું એક કારણ હોઈ શકે છે, પોલીસે રવિવારે શીઝાનની (27) ધરપકડ કરી હતી અને તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 21મો બર્થ ડે સેલિબ્રેટ કરે તેના થોડા અઠવાડિયા પહેલા જ શનિવારે બપોરે લગભગ 3.30 વાગ્યાની આસપાસ તેણે સીરિયલના સેટ પર આત્મહત્યા કરી હતી.
પોલીસે શર્મા અને ખાનના ફોનની કોલ ડિટેઈલ અને વોટ્સએપ મેસેજ અંગેનો રિપોર્ટ માગ્યો હતો. તુનિશા અને શીઝાનની મુલાકાત સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાં-એ-કાબૂલ’ના સેટ પર થઈ હતી. શનિવારે સવારે તુનિષાએ કામન-ભિવંડી લિંક રોડના ભજનલાલ સ્ટુડિયોમાં સીરિયલના સેટ પર રિપોર્ટ કર્યું હતું.. બપોરે 3 વાગ્યે લંચ બ્રેક દરમિયાન, તે ટોઈલેટનો ઉપયોગ કરવા માટે ખાનના મેક-અપ રૂમમાં ગઈ હતી. એક કલાક બાદ પણ તે પરત ન આવતાં સ્ટાફે તેને ફોન કર્યો હતો. ત્યારબાદ તે ટોઈલેટમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ સ્ટાફના સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે.