બોલીવૂડમાં યુવા અભિનેતા તુષાર કપૂરે ગાયબ, ખાકી, ગોલમાલ, ધ ડર્ટી પિકચર જેવી ઘણી ફિલ્મો કરી છે. પણ હવે એવું લાગે છે કે તેને મોટા પડદા કરતાં વેબ સીરિઝોમાં કામ કરવાનું વધુ પસંદ છે. થોડા સમય અગાઉતેની ’10 જૂન કી રાત’ની સીઝન ટુ રજુ થઇ હતી.
આ સીરિઝમાં તુષારના પાત્રનું નામ પનોતી છે. આથી તુષારને એવું પૂછવામાં આવ્યું હતું કે, શું તેને વાસ્તવિક જીવનમાં પણ ક્યારેય પનોતી લાગી છે ખરી? તેના જવાબમાં તુષાર કહે છે કે, ક્યારેક આપણી કારકિર્દીમાં એવો સમય આવે જ્યારે આપણું કામ પાર પડે નહીં, બધું અસ્તવ્યસ્ત રહ્યા કરે. જોકે હું હાર માનું તેમ નથી. અંતે મારી સતત મહેનત અને લગન રંગ લાવી છે. મારા મતે તમે તમારી મહેનતથી આગળ વધી શકો છો.
જોકે, એક વાત જગજાહેર છે કે, તુષાર વાસ્તવિક જીવનમાં એક પુત્ર-લક્ષ્યનો સિંગલ પેરન્ટ છે. આવી સ્થિતિમાં તેણે ’10 જુન કી રાત’ના રાત્રિ દરમિયાન થતાં શૂટિંગ વખતે લક્ષ્યને કેવી રીતે સાચવ્યો ? તે અંગે તેણે કહ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી-ફેબ્રુઆરી અને મે-જુન દરમિયાન થયું હતું. તે વખતે હું ઘણી વખત મારા પુત્ર લક્ષ્યને ત્રણ-ચાર દિવસ સુધી નહોતો મળી શકતો. પણ હવે તે આઠ વર્ષનો થઇ ગયો છે. તે બહુ સમજદાર છે. તે પોતાની સ્કૂલ અને ત્યાંની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તે ફૂટબોલ પણ રમે છે. મારાં માતા-પિતા પણ તેની સંભાળ લેતાં હતાં. તેથી મારું કામ સચવાઇ ગયું હતું.
તુષાર કપૂરને કારકિર્દીમાં આગળ વધવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે કહે છે ક સ્ટાર કલાકારોના સંતાનોનેકારકિર્દીના આરંભમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં આ ઇન્ડસ્ટ્રીનો એક હિસ્સો ફિલ્મી પરિવારમાંથી આવતા નવોદિતોની ટીકા કરવામાં જ વ્યસ્ત રહે છે.