અમેરિકામાં સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ બિઝનેસના છબરડા માટે જવાબદાર બેન્કર્સ સામે શિક્ષાત્મક પગલાં લેવા બાર્કલેઝના પર તેના રોકાણકારોના દબાણમાં વધારો થઈ રહ્યો છે. આ બિઝનેસમાં ભૂલને કારણે ગ્રુપને આશરે 450 મિલિયન પાઉન્ડનો ફટકો પડવાની ધારણા છે.
મીડિયા રીપોર્ટ મુજબ કેટલાંક રોકાણકારોએ માગણી કરી છે કે બાર્કલેઝના બોર્ડે ફાયનાન્સ વડા તુષાર મોરઝારિયાનું બોનસ કાપી નાખવું જોઇએ. તુષ।ર મોરઝારિયા આ મહિને પોતાના આ હોદ્દા પરથી વિદાય લઈ રહ્યાં છે. ગયા વર્ષે તેના વેતન પેકેજમાં 1.5 મિલિયન પાઉન્ડના બોનસનો સમાવેશ થતો હતો.
બેન્કે અમેરિકામાં નિયમકારોની મંજૂરી કરતાં વધુ સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સનું વેચાણ કરીને મલ્ટિબિલિયન પાઉન્ડની ભૂલ કરી હોવાનું સ્વીકાર્યા પછી 53 વર્ષના મોરઝારિયા રોકાણકારોનો રોષનો ભોગ બન્યાં છે. અમેરિકામાં 2019માં આવી પ્રોડક્ટ્સના વેચાણ પર $20.8 બિલિયનની મર્યાદા હતી, પરંતુ બાર્કલેઝે આ મર્યાદા કરતાં $15.2 બિલિયનની વધુ પ્રોડક્ટ્સ વેચી હતી. હવે તેને મૂળ ભાવે આ સિક્યોરિટીઝ પાછી ખરીદવી પડશે. તેનાથી £450 મિલિયનનું નુકસાન થવાનો અંદાજ છે.
આ ફિયાસ્કોને કારણે બેન્કને £1 બિલિયનના શેર બાયબેકની ઓફર પાછી ઠેલવાની ફરજ પડી છે. આ ઉપરાંત શું ખોટું થયું હતું તેની નિયમનકારી તપાસનો પણ સામનો કરવો પડશે. બેન્કે આ છબરડાંની માહિતી શેરબજારને આપી તે દિવસે તેના શેરમાં પણ આશરે ચાર ટકા ધોવાણ થયું હતું.
મોરઝારિયા 2013થી બાર્કલેઝના ફાયનાન્સ ડાયરેક્ટર છે. તેમને ગયા વર્ષે £5.2 મિલિયન વેતન ચૂકવાયું હતું, જેમાં £1.5 મિલિયન વાર્ષિક બોનસ હતું.સ્કાયન્યૂઝના અહેવાલ મુજબ કેટલાંક રોકાણકારોની માગણી છે કે બાર્કલેઝે ગયા વર્ષની મોરઝારિયાની ચૂકવણીમાંથી કેટલીક રકમ પાછી વસુલ કરવી જોઈએ અથવા અગાઉના નાણાકીય લાભોમાંથી કેટલીક વસૂલાત કરવી જોઇએ.
બાર્કલેઝમાં ઇક્વિટી હિસ્સો ધરાવતા એક સિટી ફંડ મેનેજરે જણાવ્યું હતું કે કોઇએ તો આ નુકસાનમાં પોતાના ભાગનો હિસ્સા વેઠવો જોઇએ, કારણ કે એક શેરહોલ્ડર તરીકે મને ઘણી તકલીફ પડી છે. તેમણે પ્રતિષ્ઠાને થયેલું નુકસાન સમજવું પડશે.
બાર્કલેઝના પ્રવક્તાએ આ મુદ્દે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.મોરઝારિયા ફાયનાન્સ વડાનો હોદ્દો છોડી રહ્યાં છે, પરંતુ તેઓ બાર્કલેઝના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ડિવિઝનના ચેરમેન તરીકે ગ્રુપમાં જ રહેવાનો ઈરાદો ધરાવે છે. સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સમાં ધબકડો થવાથી વેંકટ તરીકે જાણીતા સી એસ વેંકટક્રિષ્નનની પ્રતિષ્ઠા પણ ખરડાઈ છે. વેંકટ ગયા નવેમ્બરમાં બાર્કલેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યાં હતા.