ડેમોક્રેટ પાર્ટીના સાંસદ તુલસી ગબાર્ડે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન પર 50 મિલિયન ડોલર (અંદાજે રૂ. 350 કરોડ)નો માનહાનિ કેસ કર્યો છે. હિલેરીએ ગયા વર્ષે એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન ગબાર્ડ પર સાંકેતિક રીતે આકરા પ્રહાર કર્યા હતા. હિલેરીએ કહ્યું હતું- હું કોઈ અંદાજ નથી લગાવી રહી પરંતુ મને લાગે છે કે, તેમને (રશિયન એજન્સીઓને) પ્રેસિડેન્ટ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીથી એવો ઉમેદવાર મળી ગયો છે જે ચૂંટણીમાં કોઈ ત્રીજી પાર્ટીથી (ડેમોક્રેટ અને રિપબ્લિકન) મેદાનમાં આવી શકે છે. હિલેરીએ ગબાર્ડનું નામ લીધા વગર કહ્યું હતું કે, તે રશિયન એજન્સીઓની ખાસ છે. રશિયા પાસે તેમનું સમર્થન કરવા માટે અમુક વેબસાઈટ્સ અને પ્રોગ્રામ છે. તુલસીએ હિલેરીના આ નિવેદન સામે બુધવારે, 22 જાન્યુઆરીએ જ કેસ દાખલ કર્યો છે. તેમણે ઈશારામાં હિલેરી પર પ્રહાર કરતા કહ્યું છે કે, પ્રેસિડેન્ટ પદની ચૂંટણી હારનાર ઉમેદવારે તેમને ‘રશિયાની પસંદ’ કહીને બદનામ કર્યા છે. હિલેરીએ 2016માં ડેમોક્રેટ પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પ્રેસિડેન્ટ ચૂંટણી લડી હતી. તેમને હાર મળી હતી.
તુલસીના વકીલોએ મેનહેટન ફેડરલ કોર્ટમાં હિલેરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. એક વકીલે જણાવ્યું કે, હિલેરી તુલસી ગબાર્ડ વિશે જુઠ્ઠું બોલ્યા છે. અંગત દુશ્મની હોય, રાજકીય દુશ્મની હોય કે પાર્ટીમાં કોઈ ફેરફારનો ડર હોય, હિલેરી અને તેમના સહયોગીઓ ઘણા સમયથી ડેમોક્રેટિક પાર્ટી પર હાવી રહ્યા છે. હિલેરી અને તુલસી બંને આ જ પાર્ટીના છે. હિલેરીએ સમગ્ર ઈન્ટરવ્યૂ દરમિયાન શોના પ્રેઝન્ટેટર અને પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના સહયોગી રહેલા ડેવિડ પ્લૂકે કહ્યું હતું, ક્લિન્ટનને લાગે છે કે, ગબાર્ડ પ્રેસિડેન્ટ ચૂંટણીમાં કોઈ ત્રીજી પાર્ટીના ઉમેદવાર બનશે, જેને ટ્રમ્પ અને રશિયન એજન્સીઓ તરફથી મદદ મળશે. 15 ઓક્ટોબરે ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ પદની દલીલ દરમિયાન ગબાર્ડે ટીવી કમેન્ટેટરની નિંદા કરી હતી, જેમાં ટીવી કમેન્ટેટર ગબાર્ડને કહ્યું હતું કે, તમને રશિયાની પસંદ માનવામાં આવે છે.
કેસમાં જણાવ્યા પ્રમાણે, હિલેરી તુલસીને એટલે પસંદ નથી કરતી કારણકે 2016માં પ્રેસિડેન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન તુલસીએ તેમને સમર્થન ન આપીને સીનેટર બર્ની સેન્ડર્સને સમર્થન કર્યું હતું. તે વિશે હિલેરીના પ્રવક્તા નિક મેરિલે કહ્યું હતું કે, આ હાસ્યાસ્પદ છે.