અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં ભારતની મુલાકાત લીધી હતી અને તેમના માટે ભારત સરકારે રૂ. 38 લાખનો ખર્ચ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ અંગેની એક આરટીઆઈમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને તેમના પરિવાર 24-25 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતના 36 કલાકના પ્રવાસે ગયા હતા અને તે માટેની તૈયારીઓમાં ભારત સરકારે રૂ. 38 લાખનો ખર્ચ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તેમના ભારત પ્રવાસની શરૂઆથ અમદાવાદથી કરી હતી અને પછી આગ્રા અને દિલ્હીની મુલાકાતે ગયા હતા. ટ્રમ્પ અમદાવાદમાં ત્રણ કલાક રહ્યા હતા અને 22 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લીધો હતો અને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ નામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ત્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. પછી ટ્રમ્પ આગ્રાનો તાજમહેલ જોવા માટે ગયા હતા અને ત્યાં દિલ્હીની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની મુલાકાતમાં ભોજન, સુરક્ષા , હોટલ, વિમાન મુસાફરી વગેરે ખર્ચનો સમાવેશ થાય છે.