અમેરિકના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટના નજીકના સહયોગી કાશ પટેલે જણાવ્યું હતું કે, આવતા વર્ષે પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાશે તો તેમણે મીડિયા વિરુદ્ધ ગુનાઇત અથવા તો નાગરિક કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

કશ્યપ ‘કાશ’ પટેલ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ટ્રમ્પના કાઉન્ટર ટેરરીઝમના સલાહકાર હતા. તેમણે સ્ટીવ બેનનના વોરરૂમ પોડકાસ્ટ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કાશ પટેલે 2020ની ચૂંટણીનો ઉલ્લેખ જણાવ્યું હતું કે, “અમે બહાર જઇશું અને સરકારમાં જ નહીં પરંતુ મીડિયામાં પણ ષડયંત્રકારોને શોધીશું.” તેમને કથિત રીતે ટ્રમ્પના નવા એડમિનિસ્ટ્રેશનમાં રાષ્ટ્રીય સુરક્ષામાં કોઈપણ મહત્ત્વની જવાબદારી મળવાની સંભાવના છે.
સંરક્ષણ વિભાગના આ ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું, “અમે તમારી પાછળ આવી રહ્યા છીએ, પછી ભલે તે ગુનાઇત હોય કે નાગરિક અમે તેમને શોધીશું.”

જોકે, કાશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ બંધારણનો ઉપયોગ કરીને “તેમના ગુનાઓ માટે તેમની સામે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.”
જોકે, ‘ધ ગાર્ડિયન’ના રીપોર્ટ મુજબ, ટ્રમ્પ કેમ્પેઇને કાશ પટેલની ટિપ્પણીઓથી અંતર રાખીને જણાવ્યું હતું કે, “આ પ્રકારની જાહેરાતો સાથે તેમને કોઈ સંબંધ નથી.”
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ચાર જુદી-જુદી કોર્ટમાં 91 ગુનાઓનો સામનો કરી રહ્યા છે અને તેમાં તેમણે પોતે દોષિત ન હોવાની દલીલ કરી છે, કહ્યું હતું કે, તેમની સામે રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં કાશ પટેલે આવી ટિપ્પણીઓ કરી હતી.
આ વર્ષે સપ્ટેમ્બરમાં કાશ પટેલે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, “ભ્રષ્ટાચારમાં ડુબેલા દેશનો પર્દાફાશ કરવામાં આવ્યો છે”.

LEAVE A REPLY