અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને ડ્રગ્સના સપ્લાયને અંકુશમાં લેવા માટે કેનેડા અને મેક્સિકોની તમામ પ્રોડક્ટ્સ પર 25 ટકા તથા ચીનની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ અંગેના વહીવટી આદેશો પર તેમના પ્રમુખપદના પ્રથમ દિવસે જારી કરાશે. જોકે ટ્રમ્પની આ યોજનાથી અમેરિકાના ગ્રાહકો અને બિઝનેસોને પણ અસર થવાની ધારણા છે.
મેક્સિકો અને કેનેડા યુ.એસ.માં વેચાતા તાજા ફળોના 32% અને તાજા શાકભાજીના 34% સપ્લાય કરતા હોવાથી સ્ટોર્સમાં આ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થશે. ગ્રોસરી સ્ટોર્સમાં પણ ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. રેસ્ટોરન્ટ્સ તેમના મેનૂને બદલશે જેથી તેઓ તેમની પ્લેટમાં જતા પ્રોડક્ટની માત્રાને ઘટાડી શકે અથવા ભાવમાં વધારો કરી શકે.ટ્રમ્પના સૂચિત ટેરિફથી ખાસ કરીને મિડવેસ્ટમાં ગેસોલિનના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે – જ્યાં કેનેડા ક્રૂડ ઓઇલનો મોટા ભાગનો સપ્લાય કરે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે 20મી જાન્યુઆરીએ મારા ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાંનો પ્રથમ આદેશ મેક્સિકો અને કેનેડાની અમેરિકામાં આવતી તમામ પ્રોડક્ટ્સ 25% ટેરિફ લાદવાનો હશે. આ ટેરિફ ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ડ્રગ્સ, ખાસ કરીને ફેન્ટાનીલ અને તમામ ગેરકાયદેસર વિદેશીઓ આપણા દેશ પરના આ આક્રમણને રોકે નહીં. મેક્સિકો અને કેનેડા બંને પાસે સમસ્યાનો સરળતાથી હલ કરવાની તાકાત છે. તેઓ આ તાકાતનો ઉપયોગ કરે, અને જ્યાં સુધી તેઓ આવું નહીં કરે ત્યાં સુધી તેમને ભારે કિંમત ચુકવવી પડશે.
અમેરિકામાં ડ્રગ્સના સપ્લાયને રોકવામાં નિષ્ફળ રહેવાનો ચીન પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં મોટાપાયે મોકલવામાં આવતા ડ્રગ્સ અને ખાસ કરીને ફેન્ટાનાઇલ અંગે મે ચીન સાથે ઘણી વાટાઘાટો કરી છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. ચીનના પ્રતિનિધિઓએ મને કહ્યું હતું કે તેઓ ડ્રગ સપ્લાય કરતાં ડ્રગ ડીલરોને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરશે, પરંતુ કમનસીબે તેઓએ ક્યારેય તેનું પાલન કર્યું નથી.