અમેરિકા કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ છે ત્યાંજ ઈરાન એશિયાનો સૌથી વધારે સંક્રમિત દેશ છે અને બંને દેશ કોરોના પર રોક લગાવવા માટે કામ કરી રહ્યા છે. પરંતુ બંને શત્રુ દેશની લડાઈ આ મહાસંકટની વચ્ચે પણ ચાલું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે જો તેમના સૈનિકો પર કોઈપણ હુમલો કરવામાં આવ્યો તો તેહરાન અને તેમના સહયોગીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે બુધવારે મોડી રાત્ર ટ્વીટ કર્યુ કે, એવી સૂચના મળી છે અને મારા મતે ઈરાન અને તેમના સહયોગી ઈરાકમાં અમેરિકાના સૈનિકો અને સંપત્તિઓ પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. જો આવું થાય છે તો ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.
ઈરાનના કમાન્ડર કામિસ સુલેમાનીના અમેરિકાના એર સ્ટ્રાઈકમાં મૃત્યું બાદથી જ ઈરાકમાં સ્થિત અમેરિકાના દૂતાવાસ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા થઈ રહ્યા છે. હાલમાં જ ઈરાકમાં અમેરિકાના દૂતાવાસની નજીક એક રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો દૂતાવાસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.