લાખ્ખો મતની ગણતરી બાકી છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દાવો કર્યો હતો કે તેમનો પ્રેસિડન્ટની ચૂંટણીમાં વિજય થયો છે. જો બિડેનની ડેમોક્રેટિક પાર્ટી ગેરરીતિ કરી રહી હોવાનો આક્ષેપ કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ મતગણતરીના વિવાદને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે.
ટ્રમ્પે વ્હાઇટમાંથી એક અસાધારણ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે જીતવાની તૈયારીમાં છીએ, હકીકતમાં અમે જીતી ગયા છીએ. બિડેનના કેમ્પે મતગણતરી અટકાવવાના ટ્રમ્પના પ્રયાસને અસાધારણ અને અયોગ્ય લેખાવ્યો હતો. જો ટ્રમ્પ મતગણતરી અટકાવવાનો પ્રયાસ કરે તો ડેમોક્રેટિક ઉમેદવારની ટીમ તેને પડકારવા માટે લિગલ ટીમ સાથે સજ્જ છે.
મતગણતરી થાય પછી તેઓ વિજયનો આત્મવિશ્વાસ ધરાવે છે તેવા બિડેન સંબોધન બાદ તરત ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં દેખાય હતા અને વિજયી બન્યાં હોવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના વકીલો યુ એસ સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ રજૂ કરશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે આ ચૂંટણીમાં વિજયી બનવા સજ્જ છીએ. હકીકતમાં અમે આ ચૂંટણીમાં વિજયી બન્યાં છીએ. આ આપણા દેશ સામેનું મોટું કૌભાંડ છે. અમે કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માંગીએ છીએ. તેથી અમે સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યાં છીએ. અમે મતગણતરી અટકાવવા માગીએ છીએ.
દેશમાં મતગણતરી બંધ થઈ છે, પરંતુ અમેરિકાના રાજ્યોમાં ચૂંટણી કાયદા મુજબ તમામ મતો ગણવાની જરૂર પડે છે અને ઘણા રાજ્યોમાં કાયદેસર બેલેટની ગણતરી કરવામા ઘણા દિવસો જતાં હોય છે. આ વર્ષે વધુ મતની ગણતરી કરવી પડશે, કારણ કે કોરોના મહામારીને કારણે લોકોએ મેઇલ અને અને રૂબરુમાં વહેલું મતદાન કર્યું છે.