અમેરિકામાં કોરોનાવાઇરસનો ફેલાવો વધતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના જેક્સનવિલેમાં આયોજિત રીપબ્લિકન નેશનલ કન્વેન્શન રદ્ કર્યું છે. તાજેતરમાં કોરોના અંગે પ્રેસિડેન્ટ ટ્રમ્પના વલણમાં પરિવર્તન થયું છે. કોરોનાવાઈરસના રોગચાળાના સમયમાં સભા-સંમેલનો માટે ઉત્સાહ દાખવનારા ટ્રમ્પે હવે કન્વેન્શન રદ કરવા અંગે જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. કન્વેન્શન માટે આ યોગ્ય સમય નથી. તેમણે આયોજનની મુદ્દતમાં વધારો કર્યો છે. તેમણે આ અંગે ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેંટિસ અને અન્ય રાજ્ય તેમ જ સ્થાનિક અધિકારીઓને આ નિર્ણયની માહિતી આપી છે.
એવું પણ કહેવાય છે કે ટ્રમ્પ અગાઉ નોર્થ કેરોલિનાના શાર્લોટમાં કન્વેન્શન યોજવા ઇચ્છા હતા, પરંતુ ત્યાંના ગવર્નરે લોકોના આરોગ્યની ચિંતા દર્શાવી મર્યાદિત સંખ્યામાં લોકોનો ઉપસ્થિત રાખવાનું સૂચન કર્યું હતું, પરંતુ ટ્રમ્પે તેના માટે તૈયાર નહોતા. પછી કન્વેન્શનનું આયોજન જેક્સનવિલેમાં નક્કી કરાયું હતું.
અમેરિકામાં કોરોના વાઇરસનો ફેલાવો ઝડપથી વ્યાપક સ્તરે ફેલાઇ રહ્યો છે. દેશમાં આ દર કલાકે સરેરાશ 2600 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે છે. વિશ્વમાં નવા કેસીઝનો આ સૌથી વધુ ઉંચો દર છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 41 લાખથી વધુ લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યા છે, જ્યારે 19.40 લાખ લોકો તેમાંથી મુક્ત થયા છે. 20 લાખથી વધુ સક્રિય કેસ છે.
ફ્લોરિડા, ટેક્સાસ અને કેલિફોર્નિયા રોગચાળાના નવા હોટ સ્પોટ બની ગયા છે. આ ત્રણ પ્રદેશમાં સાડા ત્રણ લાખથી વધુ લોકો ચેપગ્રસ્તુ થયા છે. અમેરિકામાં 50માંથી 40 રાજ્યોમાં ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જોકે, ચેપના કેન્દ્ર સમાન ન્યૂયોર્ક પ્રદેશમાં કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રદેશમાં 4.35 લાખથી વધુ કેસ નોંધાયા હતા.