અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીન પર ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વાઈરસનું વુહાન ઈન્સ્ટીટયુટ ઓફ બાયોલોજી સાથે કનેકશન છે. અમારી પાસે તેના પુરાવા છે. કોરોના આ લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ અંગે વધુ માહિતી આપવાથી ઈન્કાર કર્યો હતો. કોરોનાથી વિશ્વમાં 2.30 લાખ લોકોના મોત થયા છે.
વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન ટ્રમ્પને વાઈરસની વુહાન લીન્કને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારી પાસે તેના પુરાવા છે. જોકે આ અંગે તમને વધુ જણાવી શકીશ નહિ. મને તેની પરવાનગી નથી. ટ્રમ્પે આ દરમિયાન ચીન પર નવા ટેરિફ લગાવવાની પણ વાત કહી હતી.
વિશ્વમાં કોરોનાથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે. અહીં 10 લાખથી વધુ લોકો સંક્રમિ થઈ ચૂક્યા છે અને 62 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ કારણે અમેરિકા પર ભારે દબાણ છે. અમેરિકાએ અગાઉ એ દાવાને નકાર્યો હતો, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કોરોના ચીનના વાઈલ્ડલાઈફ માર્કેટમાંથી આવ્યો છે. બાદમાં ચીનનો આરોપ હતો કે યુએસ મિલિટ્રીએ ચીન સુધી આ વાઈરસને પહોંચાડ્યો હતો.
બીજી તરફ ટ્રમ્પે કહ્યું હતું કે અમે વિશ્વ સમક્ષ કોરોનાનું સત્ય લઈને આવીશું. અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે WHOએ ચીનની ફેવર કરી અને વિશ્વને સાચી માહિતી ન આપી.ટ્રમ્પે એ વાત પણ કહી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પોતાના માટે શરમ આવવી જોઈએ, કારણ કે તેણે ચીન માટે એક પબ્લિક રિલેશન એજન્સીની જેમ કામ કર્યું.
ટ્રમ્પ પ્રશાસને કોરોનાને લઈને ડબલ્યુએચઓની ભૂમિકાની તપાસ શરૂ કરી છે. સાથે જ તેના ફન્ડિગ પર પણ અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે. યુએસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીએ ગુરુવારે કહ્યું કે કોરોનાવાઈરસ ચીનમાંથી નીકળીને વિશ્વમાં ફેલાયો છે. તેને માણસે બનાવ્યો નથી. તેને ડિઝાઈન પણ કરવામાં આવ્યો નથી. અમે સતત ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યાં છે.