અમેરિકાની સંસદ પર ટ્રમ્પના સેંકડો સમર્થકોના હિંસક હુમલા બાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિટના સભ્યોએ હોદ્દા પરથી ટ્રમ્પની હકાલપટ્ટી કરવાની બુધવારે ચર્ચા કરી હતી, એમ અમેરિકાની ન્યૂઝ ચેનલ્સના અહેવાલમાં જણાવાયું હતું.
કેબિનેટ સભ્યોની ચર્ચામાં અમેરિકાના બંધારણના 25માં સુધારા પર ફોકસ કરવામાં આવ્યો હતો. આ સુધારા હેઠળ જો પ્રેસિડન્ટ તેમના હોદ્દાની ફરજ અને સત્તાનું પાલન ન કરી શકે તેમ હોય તો તેમને વાઇસ પ્રેસિડન્ટ દૂર કરી શકે છે
વાઇસ પ્રેસિડન્ટ માઇકલ પેન્સના વડપણ હેઠળ કેબિનેટ મતદાન મારફત ટ્રમ્પને સત્તા પરથી દૂર કરી શકે છે.
સીએનએનએ એક રિપબ્લિકન નેતાને ટાંકીને જણાવ્યું હતું કે 25માં સુધારાની ચર્ચા થઈ હતી. તેમણે ટ્રમ્પને નિરંકુશ ગણાવ્યા હતા.
પ્રેસિડન્ટની ચૂંટણીમાં વિજયી બનેલા જો બાઇડન સત્તા સંભાળે તેને માત્ર બે સપ્તાહ બાકી રહ્યાં છે ત્યારે ટ્રમ્પના સમર્થકો દ્વારા સંસદ પરના હુમલાને કારણે ડેમોક્રેટિક સાંસદોએ બંધારણના 25માં સુધારાનો ઉપયોગ કરવાની માગણી કરી હતી. હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટસે માઇકલ પેન્સને પત્ર લખીને માગણી કરી હતી કે ટ્રમ્પની હકાલપટ્ટી કરવામાં આવે, કારણ કે ટ્રમ્પે હિંસાને પ્રોત્સાહન આપ્યું છે અને લોકશાહીની અવગણના કરી છે.