અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે જણાવ્યું હતું કે જો ઇલેક્ટ્રોલ કોલેજ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીતને પુષ્ટી આપશે તો તેઓ સત્તા છોડી દેશે. જોકે તેમણે સંકેત આપ્યો હતો કે તે કદાચ ક્યારેય હાર સ્વીકારશે નહીં અને શપથગ્રહણ સમારંભમાં હાજરી નહીં આપે. ટ્રમ્પે મતગણતરીમાં ગોટાળાનું જૂનું ગાણું ગાયે રાખ્યું હતું. ચૂંટણીમાં હાર મળ્યા બાદ ટ્રમ્પે પ્રથમ વખત વ્હાઇટહાઉસમાં પત્રકારોના સવાલનો સામનો કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે ઇલેક્ટોરલ વોટ્સમાં જો બાઇડન જીતી જશે તો હું હાર સ્વીકારી લઇશ અને વ્હાઇટ હાઉસ છોડી દઇશ. જો કે બાઇડનના શપથવિધિ કાર્યક્રમમાં પોતે હાજરી આપશે કે નહીં તેની ટ્રમ્પે સ્પષ્ટતા કરી નહોતી.
ટ્રમ્પનો મિજાજ જોતા લાગે છે કે કે તેમણે હજુ ખેલદિલીથી પરાજય સ્વીકાર્યો નથી. જો બાઇડનને આઠ કરોડ મતો મળ્યા હોવાનું માનવા ટ્રમ્પ તૈયાર નથી.
ચૂંટણીમાં હાર પછી પહેલીવાર વ્હાઇટ હાઉસમાં મિડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે મતગણતરીમાં ભારે ગોલમાલ થઇ છે એટલે ચૂંટણીનાં પરિણામો સહેલાઇથી સ્વીકારી શકાય એમ નથી. સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે તમે વ્હાઇટ હાઉસ છોડી દેશો કે નહીં એવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ઇલેક્ટોરલ કોલેજ બાઇડનને વિજેતા જાહેર કરશે તો હું વ્હાઇટ હાઉસ છોડી દઇશ. જો કે તેમણે તરત ઉમેર્યું હતું કે ઇલેક્ટોરલ કોલેજ બાઇડનને જીતાડે તો એ તેમની બહુ મોટી ભૂલ હશે.
મિ઼ડિયા સાથે ની વાતચીત દરમિયાન ટ્રમ્પ વારેવારે ગુસ્સે થઇ જતા હતા. એક રિપોર્ટરે એવો સવાલ કર્યો હતેા કે તમે પરિણામો શા માટે સ્વીકારી રહ્યા નથી ત્યારે રોષે ભરાયેલા ટ્રમ્પે કહ્યું કે હું આ દેશનો પ્રેસિડન્ટ છું. મારી સાથે આ રીતે વાત ન કરશો.