1990ના દાયકાના મધ્યે મેનહટનના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ટ્રમ્પે બળાત્કાર કર્યાનો આક્ષેપ મૂકનાર તથા આ આરોપસર ટ્રમ્પ સામે 2019ના નવેમ્બરમાં બદનક્ષી દાવો માંડનાર ન્યૂ યોર્કની લેખિકા ઇ. જીન કેરોલને હવે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પની સામે બેસીને પ્રશ્નો પૂછવાની તક આ વર્ષમાં મળે તેવી આશા ઉભી થઇ છે. ટ્રમ્પે આ આક્ષેપોનો ઇન્કાર કરતાં ઉમેર્યું હતું કે, તે પોતાના નવા પુસ્તકનું વેચાણ વધારવા જુઠ્ઠાણાં ચલાવે છે.

એલ મેગેઝીનનાં ભૂતપૂર્વ કોલમિસ્ટ 77 વર્ષનાં કેરોલે ટ્રમ્પ સામે બિનનિર્દિષ્ટ રકમનો વળતર દાવો તથા ટ્રમ્પના ખોટા દાવાઓ પાછા ખેંચવાની માંગણી કરી છે. ટ્રમ્પ સામે જાતિય ગેરવર્તણૂંકનો બીજો પણ દાવો મંડાયેલો છે. આ બંને બદનક્ષી વળતર દાવા હવે વધુ ઝડપથી આગળ વધી શકે છે કારણ કે ટ્રમ્પ હવે પ્રેસિડેન્ટપદે નથી. ભૂતપૂર્વ ફેડરલ પ્રોસીક્યુટર રોબર્ટ કપ્લાને પણ કેસોમાં વિલંબ માટે ટ્રમ્પ પ્રેસિડેન્ટપદે હોવાનું કારણ દર્શાવ્યું હતું.

ટ્રમ્પ સામે બીજો કેસ ટ્રમ્પના રીયાલિટી ટીવી શો “ધી એપ્રેન્ટીસ”ની ભૂતપૂર્વ સ્પર્ધક સમર ઝેર્વોસે માંડેલો છે. ઝેર્વોસે ટ્રમ્પ સામે જાતિય ગેરવર્તનનો આક્ષેપ 2016માં મૂકતાં જણાવ્યું હતું કે, 2007માં ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયાની હોટલમાં ટ્રમ્પે જાતિય ગેરવર્તન કર્યું હતું. ટ્રમ્પે ઝેર્વોસના આક્ષેપોને નકારતાં ઝેર્વોસે 2017માં ટ્રમ્પ સામે બદનક્ષી દાવો માંડ્યો હતો. ઝેર્વોસે તેનો કેસ ઝડપથી ચલાવવા કોર્ટમાં અરજી પણ કરી છે. ઝેર્વોસ અને કેરોલ ઉપરાંત ભૂતપૂર્વ મોડલ સહિત બે ડઝનથી વધારે મહિલાઓએ ટ્રમ્પ સામે જાતિય ગેરવર્તનના આક્ષેપો જાહેરમાં કર્યા છે.