અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટી કરવાનો વાઇસ પ્રેસિડન્ટ માઇકલ પેન્સે ઇનકાર કર્યા બાદ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટની તૈયારી ચાલુ થઈ છે. કેપિટોલ પર હુમલા બદલ ટ્રમ્પ સામેના ઇમ્પીચમેન્ટમાં ઓછામાં ઓછા પાંચ રીપબ્લિકન્સ પણ જોડાયા છે.
ટ્રમ્પની મુદતને હવે આઠ દિવસ બાકી રહ્યા છે કે પ્રતિનિધિગૃહમાં ઇમ્પીચમેન્ટની દરખાસ્ત અંગે બુધવારે મતદાન થશે. તેનાથી રીપબ્લિકનની બહુમતી ધરાવતી સેનેટમાં પણ ટ્રમ્પ સામે કાર્યવાહી થશે. જોકે ટ્રમ્પ સામેની ઇમ્પીચમેન્ટ કાર્યવાહી પૂરી કરવામાં માટે પૂરતો સમય છે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.
ડેમોક્રેટ્સ નેતાએ વાઇસ પ્રેસિડન્ટ માઇકલ પેન્સને અનુરોધ કર્યો હતો કે તેઓ બંધારણના 25માં સુધારાનો ઉપયોગ કરીને ટ્રમ્પને સત્તા પરથી દૂર કરે. જોકે પેન્સે મંગળવારે સાંજે તેનો ઇનકાર કર્યો હતો. હાઉસ સ્પીકર નેન્સી પેલોસીને લખેલા પત્રમાં પેન્સે જણાવ્યું હતું કે આવા પગલાં આપણા દેશના હિતમાં કે આપણા બંધારણ સાથે સુસંગત હોય તેવું મને લાગતું નથી.
આ પત્ર હોવા છતાં પ્રતિનિધિગૃહે પેન્સ પર દબાણ લાવવા માટે ખરડો પસાર કર્યો હતો. આ ખરડો 223 વિરુદ્ધ 205 મતથી પસાર થયો હતો. ઇમ્પીચમેન્ટની કાર્યવાહી ચાલુ થઈ રહી છે ત્યારે રીપબ્લિકન્સ પરની ટ્રમ્પની પકડ ઢીલી પડી રહી છે. ચાર રીપબ્લિકન્સે જણાવ્યું હતું કે તેઓ ઇમ્પીચમેન્ટની તરફેણમાં મતદાન કરશે.