ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડના બિઝનેસલક્ષી વ્યવહારોની છણાવટ કરવા માટે તેમના ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં ન્યૂયોર્ક સ્ટેટ એટર્ની જનરલની ઓફિસ દ્વારા ક્રિમિનલ કક્ષાની (ફોજદારી) તપાસ કરવામાં આવી છે.
એટર્ની જનરલ લેટિટિયા જેમ્સની ઓફિસના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે, અમારી તપાસ સંપૂર્ણ રીતે સામાન્ય પ્રકારની નથી. પ્રવક્તા ફેબિઅન લેવીએ જણાવ્યું હતું કે, અમે હવે મેનહટ્ટનની સાથે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં સક્રિય રીતે ક્રિમિનલ કક્ષાની તપાસ કરી રહ્યા છીએ.
આ સંસ્થા ટ્રમ્પની સેંકડો કંપનીઓનું નિયંત્રણ કરે છે, જેમાં હોટેલ્સથી લઇને જુદા જુદા ગોલ્ફ કોર્સિઝનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાંથી વિદાય થયેલા ટ્રમ્પે કંઇ ખોટું કર્યા હોવાનો ઇન્કાર કર્યો હતો. અગાઉ તેની નાણાંકીય બાબતોની તપાસ મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ડેમોક્રેટ સાયરસ વેન્સે કરી હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન જેમ્સની ઓફિસ સિવિલ કાર્યવાહી દ્વારા બેંક અને ઇન્સ્યોરન્સ કૌભાંડના આરોપોની પણ તપાસ કરી રહી છે. પોતાની કાયદાકીય ટીમ મજબૂત બનાવવા ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને એપ્રિલમાં પીઢ ક્રિમિનલ ડિફેન્સ એટર્ની, 84 વર્ષના રોનાલ્ડ ફિશેટ્ટીની નિમણૂક કરી હતી. ડિસ્ટ્રિક્ટ એટર્નીની શરૂઆતની તપાસમાં બે મહિલાઓને ચૂપ રહેવા માટે નાણાં આપવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, આ મહિલાઓ સાથે ટ્રમ્પના કથિત સંબંધો હોવાનું કહેવાતું હતું. પરંતુ પછી તેનો વ્યાપ લંબાવવામાં આવ્યો હતો અને તેમાં ટેક્સ ચોરી તથા ઇન્સ્યોરન્સ અને બેંક કૌભાંડના આરોપો પણ આવરી લેવાયા હતા.
આ તપાસ ગ્રાન્ડ જ્યૂરી સમક્ષ બંધ બારણે કરવામાં આવી હતી. પ્રેસિડેન્ટ પદની ચૂંટણી હારી ગયાના છ મહિના પછી પણ લાખો રીપબ્લિકન્સ ટ્રમ્પને તેમના નેતા તરીકે સ્વીકારે છે.