અમેરિકામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન વ્હાઇટ હાઉસ માટેની રેસમાં વિજેતા બન્યાં હોવાની શનિવારે જાહેરાત થઈ હોવા છતાં રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાર સ્વીકારવા માટે તૈયાર નથી.
ડોનાલ્ટ ટ્રમ્પે શનિવારે કાનૂની વ્યૂહરચનામાં આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમને આશા છે કે કોર્ટ આ રિઝલ્ટને બદલી નાંખશે. ટ્રમ્પના સમર્થકો અને રિપબ્લિકન સાથીઓએ પણ ટ્રમ્પની આ યોજનાને સમર્થન આપ્યું છે અથવા મુકસંમતી આપી છે.
ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાદી હકીકત એ છે કે આ ચૂંટણી હજુ પુરું થઈ નથી. કોઇ રાજ્યમાં બિડેનને વિજેતા તરીકે સર્ટિફાઇ કરવામાં આવ્યા નથી. ગળાકાપ સ્પર્ધા છે તેવા રાજ્યોમાં ફરજિયાત ફેર મતગણતરી થશે. અમારી ટીમે માન્ય અને કાયદેસર કાનૂની પડકાર આપ્યો છે તેવા રાજ્યો પણ મહત્ત્વના છે. આ રાજ્યો અંતિમ વિજેતા નક્કી કરશે.
જોકે પ્રેસિડન્ટના કેટલાંક સહયોગી અને સલાહકારોએ ખાનગીમાં સ્વીકાર્યું હતું કે ચૂંટણીના રિઝલ્ટને ફેરવી તોળવાનું અને વ્હાઇટ હાઉસમાં ટકી રહેવાનું ટ્રમ્પ માટે મુશ્કેલ છે. હાર સ્વીકારતા પહેલા તેઓ કાનૂની પડકારો પૂરા થાય તેવું ઇચ્છે છે.
ટ્રમ્પના સલાહકારે જણાવ્યું હતું કે ફરી મતગણતરીની કરવાની કે જે કોઇ દાવા હોય તે દાખલ કરવાની છૂટ આપવી જોઇએ. આ પછી પણ કોઇ રિઝલ્ટમાં ફેરફાર ન થાય તો તેઓ હાર સ્વીકારશે.