એક અમેરિકન ન્યાયમૂર્તિએ ગુરુવારે એક ચૂકાદો આપતા જણાવ્યું છે કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સંતાનોને પોતાના પારિવારિક બિઝનેસમાં કથિત છેતરપિંડીની ન્યૂયોર્કની જાહેર તપાસમાં શપથના અંતર્ગત જુબાની આપવી જ જોઇએ.
આ ચૂકાદો 75 વર્ષીય ટ્રમ્પ માટે એક નવો ઝટકો છે, કારણ કે તેઓ આ પ્રકારના ઘણા કેસમાં કાયદાકીય જંગ લડી રહ્યા છે. જોકે, આ કાયદાકીય લડતો તેમને વર્ષ 2024માં વ્હાઇટ હાઉસ પહોંચવામાં અડચણરૂપ બની શકે છે. ટ્રમ્પે વારંવાર ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ દ્વારા તપાસ બંધ કરાવવા પ્રયાસ કર્યા હતા. લેટિટિયાએ ગત મહિને જણાવ્યું હતું કે, તેમણે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં છેતરપિંડી અથવા ગેરમાર્ગે દોરનારી પરંપરાઓના ‘મહત્ત્વના પૂરાવા’ અંગે સ્પષ્ટતા કરી હતી. બે કલાકની મૌખિક દલીલો પછી ન્યાયમૂર્તિ આર્થર એંગોરોને ટ્રમ્પ, ડોનાલ્ડ જૂનિયર અને ઇવાંકા દ્વારા ડિસેમ્બરમાં જેમ્સ દ્વારા ઇસ્યુ કરાયેલા સમન્સને રદ્ કરવાની અરજીને ફગાવી હતી. ન્યાયમૂર્તિએ આ ત્રણેયને 21 દિવસમાં જેમ્સની ઓફિસમાં નિવેદન આપવા જવા માટે આદેશ કર્યો છે. હવે આ મામલે ટ્રમ્પ આગળ અપીલ કરે તેવી અપેક્ષા છે.
ટ્રમ્પના વકીલોએ એવી દલીલ કરી હતી કે, સિવિલ કેસમાં સમન્સ જેમ્સ દ્વારા ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં સમાંતર ગુનાઇત તપાસ માટે પૂરાવા આંચકી લેવાના એક પ્રયત્ન હતો, જેમાં તેઓ સામેલ હતા. તેમણે એવી પણ દલીલ કરી હતી કે, જેમ્સ ન્યૂયોર્ક સ્ટેટના એક કાયદાને નજરઅંદાજ કરતા હતા, જે ગુનાઇત કેસમાં એક મોટી જ્યૂરી સમક્ષ રજૂ થનારા સાક્ષીઓને રક્ષણ પૂરું પાડે છે. એંગોરોને જણાવ્યું હતું કે, આ દલીલ સંપૂર્ણ રીતે તથ્યોને અવગણે છે, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ન તો મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની, જેઓ ગુનાઇત તપાસ કરી રહ્યા છે, અને ન તો જેમ્સની ઓફિસે ટ્રમ્પને મોટી જ્યૂરી સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હોય. પોતાના ચૂકાદામાં એંગોરોને વધુમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સિવિલ કેસમાં પૂછપરછ દરમિયાન પોતાને દોષિત ન ઠેરવવાના તેમના પાંચમા સુધારાના અધિકારનો ઉપયોગ કરી શકે છે. તેમણે નોંધ્યું હતું કે ટ્રમ્પના અન્ય પુત્રો, એરિકે ઓક્ટોબર 2020માં જેમ્સની તપાસ માટે જુબાની દરમિયાન ‘500થી વધુ વખત’ પાંચમી અરજી કરી હતી. એંગોરોને ટ્રમ્પના એ દાવાને પણ ફગાવ્યો કે, ડેમોક્રેટ જેમ્સ દ્વારા થયેલી તપાસ રાજકીય રીત પ્રેરીત છે.