અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ કાનૂની અવરોધો ભરેલા રસ્તે ચાલીને બીજીવાર પ્રેસિડેન્ટ બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં કાનૂની કેસોના કારણે ટ્રમ્પની સંપત્તિમાં જોરદાર ઘટાડો થયો છે. ફોર્બ્સના ડેટા અનુસાર અમેરિકાના રીયલ એસ્ટેટ સેક્ટરના અબજોપતિ ટ્રમ્પે 2016થી અત્યાર સુધીમાં પોતાની કુલ સંપત્તિમાંથી 46% જેટલી સંપત્તિ ગુમાવી છે.

ફોર્બ્સના અંદાજ અનુસાર હાલ 2.6 અબજ ડૉલરની સંપત્તિના માલિક ટ્રમ્પની 2016માં કુલ સંપત્તિ 4.6 અબજ ડૉલર હતી અને 2022માં તેમની કુલ સંપત્તિ 3 અબજ ડૉલર હતી. ઓક્ટોબર 2023માં ટ્રમ્પ ફોર્બ્સની ટોપ-400ની યાદીમાંથી પણ બહાર ફેંકાઇ ગયા હતા. ટ્રમ્પની વર્તમાન 2.6 અબજ ડૉલરની સંપત્તિ ફોર્બ્સની યાદીમાં સ્થાન પામવા માટે નિર્ધારિત બેઝલાઇન સંપત્તિ કરતા 300 મિલિયન ડૉલર ઓછી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આવકનો પ્રાથમિક સ્રોત ન્યૂયોર્કમાં રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સ અને સમગ્ર વિશ્વમાં ગોલ્ફ કોર્સિસ અને હોટલ્સ છે. અમેરિકાના 1290 અવેન્યૂસમાં 500 મિલિયન ડૉલરનો સ્ટેક, મેનહટ્ટનમાં ઓફિસ બિલ્ડિંગ ટ્રમ્પના આર્થિક સામ્રાજ્યની મોટી સંપત્તિ પૈકી એક છે. તેઓ સાથે જ 600 મિલિયનની લિક્વિડ એસેટ્સ પણ ધરાવે છે, જ્યારે તેમનો ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી ગોલ્ફ રીસોર્ટ 300 મિલિયન ડૉલરનો છે.

વિવિધ કારણોસર ટ્રમ્પની કુલ સંપત્તિમાં ગાબડું પડ્યું છે. મહામારીને કારણે ટ્રમ્પના કેટલાક રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને આંચકો લાગ્યો હતો, ખાસ કરીને ઓફિસ બિલ્ડિંગ્સને કારણ કે કોવિડ પછી વર્ક ફ્રોમ હોલ કલ્ચર શરૂ થયું હતું. તેના કારણે તેમની સંપત્તિને 170 મિલિયન ડૉલરનો ફટકો પડ્યો હતો. તે ઉપરાંત મેઇન સ્ટ્રીમ સોશિયલ મીડિયાના કન્ઝર્વેટીવ વિકલ્પ પેટે લવાયેલા ટ્રૂથ સોશિયલમાં ટ્રમ્પની સામેલગિરીએ પણ ભૂમિકા ભજવી છે.

પ્રારંભમાં 40 મિલિયન યુઝર્સનો અંદાજ રખાયો હોવા છતાં ટ્રૂથ સોશિયલને 2023ના અંત સુધીમાં માત્ર 6.5 મિલિયન યુઝર્સ જ મળ્યા હતા, તેના કારણે ફોર્બ્સને તેની પેરેન્ટ કંપનીના 2022માં રહેલા 730 મિલિયન ડૉલરની મૂલ્યને ઘટાડીને 100 મિલિયન ડૉલર કરવાની ફરજ પડી હતી. જોકે, તાજેતરમાં જ ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રુપ તેમજ તેના ફન્ડિંગ પાર્ટનર્સ વચ્ચે મર્જરને અપાયેલી મંજૂરી પછી ટ્રમ્પને વર્તમાન સ્ટોક પ્રાઇઝ અનુસાર ચાર અબજ ડૉલરના મૂલ્યના 79 મિલિયન શેર મળશે.

ટ્રમ્પ પ્રેસિડેન્ટપદેથી વિદાય થયા પછી તેમની સામે થયેલા કેટલાક કાનૂની કેસોમાં તેને લાખો ડૉલરનો દંડ ચૂકવવો પડે તેવું જોખમ પણ છે. ગયા મહિને જ મેનહટ્ટનની કોર્ટે ટ્રમ્પને દંડ પેટે 350 મિલિયન ડૉલર ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટનો આ આદેશ બદનક્ષીના કેસમાં જ્યૂરી દ્વારા કરાયેલા 83.3 મિલિયન ડૉલરના દંડના મહિના કરતા પણ ઓછા સમયમાં સામે આવ્યો હતો. આ પહેલા ટ્રમ્પને કેરોલને 5 મિલિયન ડૉલર ચુકવવા આદેશ આપ્યા હતા.

LEAVE A REPLY