અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દો છોડતા પહેલા મંગળવારે 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે થોડા દિવસ અગાઉ કેપિટોલમાં થયેલી હિંસાની નિંદા કરી હતી અને પોતાની ઉપલબ્ધીનો ઉલ્લેખ કર્યો હતો. બાઇડનનું નામ લીધા વગરે તેમણે જો બિડેનની નવી સરકારને શુભકામના પાઠવી હતી.
રિપબ્લિકન પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે આ સપ્તાહે નવું વહીવટીતંત્ર આવશે તથા અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધિ રાખવામાં તે સફળ થાય તેવી પ્રાર્થના કરીએ. અમે શ્રેષ્ઠ શુભકામના આપીએ છીએ અને નસબી પણ તેમને સાથ આપે.
ટ્રમ્પે પોતાના પ્રવચનમાં કેપિટોલ હિલમાં થયેલી હિંસાને અમેરિકના મૂલ્યોની વિરુદ્ધ ગણાવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે કેપિટલ ભવન પર હિંસાથી દરેક અમેરિકી ભયભીત હતો. રાજનીતિક હિંસા તે તમામ મૂલ્યો પર હુમલો છે જે મુલ્યોને આપણે જીવીએ છીએ. તે કયારેક ચલાવી ન શકાય. હવે આપણે અગાઉથી વધુ સાથે મળીને રહેવાનું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ફેરવેલ સ્પીચ દરમિયાન ચીનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે ચીન સાથે ઐતિહાસિક વ્યાપાર કરાર કર્યો હતો. જે સાથે જ નવી સમજૂતીઓ પણ કરી. આપણી વ્યાપાર નીતિ ઝડપથી બદલતી ગઈ છે. જેના કારણે અરબો ડોલર અમેરિકાને મળ્યા હતા.પરંતુ કોરોના વાયરસે આપણને બીજી દિશામાં વિચારવા માટે મજબૂર કર્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે એક મિશન શરૂ કર્યું છે. અમે દુનિયાના ઈતિહાસમાં સૌથી મોટા અર્થતંત્રનું નિર્માણ કર્યુ છે.તેમણે વધુમાં કહ્યું કે તેઓને દશકો બાદ એવા પહેલા પ્રેસિડન્ટ હોવા પર ગર્વ છે કે, જેઓએ કોઈ નવી લડાઈ શરૂ કરી નથી.