અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયરનો કોવિડ-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ જુનિયર ગત સપ્તાહે પોઝિટિવ થયા હતા. ટ્રમ્પના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, અમે આ બાબતે ચિંતિત છીએ, જોકે તેમનામાં કોઈ લક્ષણો જણાયા નથી. ગત મહિને પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલિનિયા સાથે જ સૌથી નાનો પુત્ર પણ પોઝિટિવ આવ્યા હતા, જોકે, ત્યારે પ્રેસિડેન્ટપદની ચૂંટણી પ્રચારનો છેલ્લો તબક્કો હતો. અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિતોનો આંકડો 1.22 કરોડથી વધુ છે અને અત્યાર સુધીમાં 2.60 લાખ લોકોનાં આ મહામારીમાં મોત થયાં છે. જ્યારે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5.78 કરોડથી વધુ લોકો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં 4.03 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 13.76 લાખ લોકોનાં મોત થયાં છે. હવે 1.64 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે એક્ટિવ છે.
આ માહિતી www.worldometers.info/coronavirusના જણાવ્યા મુજબ છે. અમેરિકામાં ગંભીર સ્થિતિ અંગે એ પરથી જાણી શકાય છે કે છેલ્લા 24 કલાકમાં અહીં 2 હજાર 15 લોકોનાં મોત થયાં હતાં. મે મહિના પછી એક દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં આ આંકડા આપવામાં આવ્યા છે. અમેરિકામાં સંક્રમિતોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાક દરમિયાન અમેરિકામાં સંક્રમિતો આંકડો 1 લાખ 87 હજાર વધી ગયો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ 22 લાખથી વધુ નોંધાઇ છે. 2 લાખ 60 હજાર સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં જાન્યુઆરીમાં પ્રથમ કેસ નોંધાયો હતો. બે સપ્તાહમાં દરરોજ આ આંકડો સરેરાશ 1.5 લાખની ગતિએ વધી રહ્યો છે.
અમેરિકામાં સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ દેશના નાગરિકોને અપીલમાં કરતા જણાવ્યું હતું કે, તેઓ થેક્સગિવિંગ ડે પર મુસાફરી ન કરે. સીડીસીના ડિરેક્ટર ડો. હેનરીએ કહ્યું હતું કે આપણે જેટલી વધુ મુસાફરી કરીશું, એટલું મહામારીનું જોખમ ઝડપથી ફેલાશે અને તે તમામ લોકો માટે જોખમી છે. તેમ છતાં જો તમે પ્રવાસ કરવા જ ઇચ્છો છો તો દરેક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.