REUTERS/Brian Snyder/File Photo

ગોપનીય દસ્તાવેજોની યોગ્ય સંભાળ ન રાખવાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આની સાથે ફેડરલ સરકારના ફોજદારી આરોપો સામનો કરનારા ટ્રમ્પ અમેરિકાના પ્રથમ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બન્યાં છે.

ટ્રમ્પ આગામી સપ્તાહે કોર્ટમાં હાજર થાય તેવી શક્યતા છે. તે પહેલા ન્યાય વિભાગે આરોપનામાની વિગતો જાહેર કરે તેવી શક્યતા છે. જો કેસમાં ટ્રમ્પ દોષિત ઠરશે તો તેમને જેલની સજા થવાની શક્યતા છે. તેનાથી તેમનું રાજકીય ભાવિ પણ અધ્ધરતાલ બનશે. ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ તરફથી ફરી પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે.

પ્રેસિડન્ટ તરીકે ટ્રમ્પની જવાબદારી ગોપનીય દસ્તાવેજોને સાચવાની હતી, પરંતુ તેઓ હોદ્દા છોડ્યા પછી કેટલાંક દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયા હોવાનો તેમની સામે આરોપ છે. ટ્રમ્પ સામે સાત ફોજગારી આરોપો ઘડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડ્યા પછી આશરે 300 ગોપનીય દસ્તાવેજો પોતાના નિવાસસ્થાન મારા લાગો લઈ ગયા હોવાનો આરોપ છે. આ રેકોર્ડ પરત મેળવવાના સરકારના પ્રયાસોમાં પણ તેમણે અવરોધ ઊભા કર્યાં હતા.

આ જાહેરાતની થોડી જ મિનિટોમાં ટ્રમ્પે તેમના પ્રમુખપદની ચૂંટણીઝુંબેશ માટે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એક વીડિયો જારી કરીને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને આ તપાસ રાજકીય કિન્નાખોરી પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ કેસ ટ્રમ્પ માટે કાનૂની સંકટમાં વધારો કરે છે, કારણ કે ટ્રમ્પ ન્યૂયોર્કમાં પહેલેથી જ આરોપો ઘડવામાં આવ્યાં છે તથા વોશિંગ્ટન અને એટલાન્ટામાં વધારાની તપાસનો સામનો કરી રહ્યાં છે.

 

 

LEAVE A REPLY