અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને શનિવારે તેમના બીજા મહાભિયોગની કાર્યવાહીમાંથી બચી ગયા હતા. 6 જાન્યુઆરી 2021ના રોજ વોશિંગ્ટનના કેપિટલ હિલમાં થયેલી હિંસાના મામલે ટ્રમ્પને યુએસ સેનેટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ટ્રમ્પની તરફેણમાં 43 મત પડ્યા હતા, જ્યારે 57 સેનેટરોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું હતું. આમ, ટ્રમ્પને દોષી ઠેરવવા માટે જરૂરી બે તૃતીયાંશ મત મળી શક્યા નહીં. જેથી ટ્રમ્પને કેપિટોલ હિલ્સમાં થયેલી હિંસામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતો.
100 સભ્યોના સેનેટમાં ડેમોક્રેટ સાંસદોની સંખ્યા 50 છે અને ટ્રમ્પને દોષી જાહેર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી(67)ની જરૂર હતી. ટ્રમ્પના વિરુદ્ધ આનાથી 10 ઓછા એટલે કે 57 વોટ પડ્યા. 6 રિપબ્લિકન સાંસદોએ પણ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું. તેમ છતા ટ્રમ્પ મહાભિયોગથી બચવામાં સફળ થયા હતા.
બીજી વખત મહાભિયોગનો સામનો કરી રહેલા યુએસના ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સેનેટમાં પુરાવા રજૂ કરતા કહ્યું હતું કે, તેમના પર હિંસા ભડકાવવાનો જે આરોપ મૂકવામાં આવ્યો છે તે સૌથી મોટું જુઠ છે.
ટ્રમ્પ પર 6 જાન્યુઆરીએ યુએસ સંસદ ભવન (કેપિટોલ)માં થયેલી હિંસાનો આરોપ હતો, જેમાં પાંચ લોકો મોત નીપજ્યા હતા. જોકે તેમણે આ આરોપોને નકારી દીધા હતા. આ દરમિયાન મોટાભાગના રિપબ્લિકન ધારાસભ્યોએ સંકેત આપ્યો છે કે તેઓ ટ્રમ્પને દોષી ઠેરવવા માટે મત નહીં આપે. બચાવ પક્ષે મહાભિયોગની સુનાવણીના ઝડપી નિષ્કર્ષ માટે ચાર કલાકથી ઓછા સમય લીધો હતો.