અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની મુદત પૂરી થાય તે પહેલા સત્તા છોડવા માટે મંગળવારે છેલ્લી તક મળશે. જો ટ્રમ્પ સત્તા નહીં છોડે તો તેમની સામે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રમ્પ રાજીનામું નહીં આપે અથવા વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ તેમની હકાલપટ્ટી નહીં કરે તો ડેમોક્રેટ્સની બહુમતી ધરાવતા પ્રતિનિધિગૃહ મહાભિયોગની કાર્યવાહી માટે બુધવારે મતદાન કરશે.
ટ્રમ્પની હકાલપટ્ટી માટે બંધારણના 25માં સુધારાનો અમલ કરવાની માગણી અંગે ગૃહમાં મંગળવારે મતદાન થવાનું છે. બંધારણના આ સુધારાનો અત્યાર સુધી ઉપયોગ થયો નથી. આ સુધારા હેઠળ જો પ્રેસિડન્ટ પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ થાય તો તેમને સત્તા પરથી દૂર કરવાની કેબિનેટને સત્તા મળે છે.
પેન્સના એડવાઇઝર્સે જણાવ્યું હતું કે તેઓ આ દરખાસ્તની વિરુદ્ધમાં છે. કેપિટોલમાં હિંસાથી ટ્રમ્પ અને પેન્સ વચ્ચે ગંભીર મતભેદ ઊભા થયા છે અને બંને વચ્ચે ઘણા દિવસોથી વાતચીત થઈ નથી. જોકે સોમવારે બંને વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક બેઠક થઈ હતી અને તેમાં હિંસાની ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
જો ટ્રમ્પ બુધવાર સુધી રાજીનામું નહીં આપે અને પેન્સ કોઇ પગલાં નહીં લે તો ડેમોક્રેટ્સ નેતાઓ ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવશે.
ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદોએ સોમવારે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. સાંસદોએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમના સમર્થકોને છેલ્લા અઠવાડિયે કેપિટોલમાં હિંસા ભડકાવવા માટે ઉશ્કેરતા હતા. આ દરખાસ્ત સાંસદ જેમી રસ્કિન, ડેવિડ સિસિલીન અને ટેડ લ્યુ દ્વારા લાવવામાં આવ્યા હતી અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના 211 સભ્યો દ્વારા તેને ટેકો મળ્યો હતો.