અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમને પોતાના વકીલોની સલાહ પ્રત્યે આદર નહોતો અને 2020ની ચૂંટણીમાં પોતાના પરાજયને પડકારવાના મામલે વકિલોના અભિપ્રાય પોતે ફગાવ્યા હતા.
ગત રવિવારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં “ફ્રોડ થયો હોવાની વાત”નો ખોટો દાવો સતત કરતા રહેવાનો નિર્ણય તેમનો પોતાનો છે. 2024ની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ જો બાઇડેન સામે લડવા માટે રીપબ્લિકનના સૌથી પ્રબળ દાવેદાર ટ્રમ્પ સામે હવે ચાર અપરાધિક કેસ છે, જેમાં બાઇડેન સામેના તેમના 2020ના પરાજયના બે કેસનો પણ સમાવેશ થાય છે.
એનબીસીના “મીટ ધ પ્રેસ” પ્રોગ્રામમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “તે મારો નિર્ણય હતો,” ચૂંટણીમાં મારી વિરુદ્ધ “છેતરપિંડી” કરાવવામાં આવી હતી, અને તે નિષ્કર્ષ પર આવવા માટે તેઓ પોતાના “અંતર્જ્ઞાન” મુજબ વર્તતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સતત ખોટા દાવા કર્યા હતા કે, ચૂંટણીમાં વ્યાપક છેતરપિંડી સાથે તેમને હરાવવામાં આવ્યા હતા. તેમણે વ્હાઇટ હાઉસમાં તેમના વકીલોના અભિપ્રાયો અને કેમ્પઇન શા માટે ફગાવ્યા હતા તે અંગે પૂછવામાં આવતા, તેના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હું તેમનો આદર કરતો નહીં હોવાથી તેમની સાથે અસહમત હતો.”