અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બર 2020ના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસના બ્રિફિંગ રૂમમાં ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન બોલી રહ્યા છે. (Getty Images)

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સ્પષ્ટપણે સત્તાના શાંતિપૂર્ણ રીતે હસ્તાંતરણની ખાતરી આપવાનો ઇન્કાર કર્યો છે. તેમને પૂછાયું હતું કે, નવેમ્બરની ચૂંટણીમાં જો તેઓ હારી જશે તો સત્તા પરિવર્તન કેટલું સરળ હશે? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે કોઇ ખાતરી આપી શકાય નહીં. જોકે, તેમણે કહ્યું હતું કે, બરાબર છે, પરંતુ અત્યારે તો અમે એ જોઇશું કે શું થાય છે. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને પૂછાયું હતું કે, તેઓ અમેરિકામાં લોકશાહી સરકારના સૌથી પાયાના સિદ્ધાંત પ્રત્યે કટિબદ્ધ છો?

ટ્રમ્પ અત્યારે ચૂંટણીમાં પોતાના હરિફ ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનથી લોકપ્રિય જનમતમાં પાછળ છે. ટ્રમ્પે ફરીથી ચૂંટણીના આયોજનના પ્રકાર અંગે પોતાની રોજિંદી ફરિયાદો શરૂ કરી છે. કોરોનાવાઇરસ મહામારીના કારણે જાહેરમાં મેઇલ-ઇન મતપત્રોના વધતા ઉપયોગનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે કહ્યું કે, ‘તમે જાણો છો કે, મતપત્રો વિષે દૃઢતા સાથે મારી ફરિયાદ રહી છે. આ પોસ્ટલ મતપત્રો આફત છે.’

ટ્રમ્પ હંમેશા એવો દાવો કરે છે કે, મેઇલ-ઇન મતપત્રક મોટાપાયે છેતરપિંડીનું સાધન છે અને ડેમોક્રેટ્સ દ્વારા ચૂંટણીમાં ગરબડ કરવા માટે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં તેઓ સત્તા જાળવી રાખશે. મતપત્રકોથી છુટકારો મેળવો, તમને શાંતિ મળશે. સત્તામાં કોઇ પરિવર્તન નહીં થાય. સ્પષ્ટ કહું છું કે, નિરંતર સત્તા હશે.