અમેરિકામાં પ્રેસિડન્ટ ટ્રમ્પ બેલેટની ગણતરી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે કાનૂની નિષ્ણાતો માને છે કે સુપ્રીમ કોર્ટ આ ચૂંટણીમાં નિર્ણાયક ન બને તેવી શક્યતા છે. કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસ પહેલા અથવા તે પહેલા મળેલા બેલેટની ગણતરી અટકાવવા માટે ટ્રમ્પની કોઇ અરજીનો કોર્ટ સ્વીકાર કરે તે અંગે આશંકા છે. નિષ્ણાતોને એ અંગે પણ આશંકા છે કે કોઇ પણ વિવાદનો કોર્ટ ચુકાદો આપશે અને તેનાથી મિશિગન અને પેન્સિલવેનિયા જેવી ગળાકાપ સ્પર્ધા ધરાવતા રાજ્યોમાં ચૂંટણીનું પરિણામ બદલાઈ જાય.
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે મેઇલ મારફત વોટિંગનો સતત વિરોધ કર્યો હતો. તેમણે કોઇપણ પુરાવો આપ્યાં વગર ચૂંટણીમાં ગોટાળાના પણ આક્ષેપ કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણ દેશ સાથે મોટો ગોટાળો થયો છે. અમે કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માગીએ છીએ. તેથી અમે સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યાં છીએ.