વ્હાઇટ હાઉસમાં પોસ્ટમાં ‘રિસિન’ ઝેર મોકલીને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે જોખમુ ઊભું કરવાના મુદ્દે એક આરોપી મહિલાની જામીન અરજી ન્યૂયોર્કમાં બફેલોની કોર્ટે ફગાવી તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો. કોર્ટે વોશિંગ્ટન ડીસીમાં તેને એક અતિ ગંભીર મામલો દર્શાવ્યો હતો. કેનેડાની 53 વર્ષની પાસ્કલ ફેરિયરની તાજેતરમાં ફોર્ટ એરી, ઓંટારીયો અને બફેલો વચ્ચે એક સરહદ પાર કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેના વકીલે સોમવારે તે નિર્દોષ હોવાની દલીલ કરી હતી.
ન્યાયમૂર્તિ એચ. કેનેથ શ્રોડર જુનિયરે જણાવ્યું હતું કે, અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનની હત્યા પછી દેશના બીજા પ્રેસિડેન્ટની હત્યાના પ્રયાસના ઘણા કેસ થયા છે. આ મહિલા પ્રેસિડેન્ટ તથા અન્ય લોકો માટે જોખમ છે. તેમણે પત્ર વાંચ્યો પણ હતો, જે ફેરિયરે રીસીન સાથે મોકલ્યો હતો. જેમાં તેણે કથિત ધમકી આપી હતી કે, તે તેમના પ્રેસિડેન્ટપદ માટેની કેમ્પેઇન રોકવા માટે ખતરનાક ઝેર અથવા બંદૂકનો ઉપયોગ કરશે. આ મહિલા પાસે કેનેડા અને ફ્રાંસની નાગરિકતા છે. તેના પર કેસ ચલાવવા માટે તેને વોશિંગ્ટન મોકલવાનો પણ આદેશ કર્યો છે. તેણે વ્હાઇટ હાઉસમાં રીસીન ઝેર અને પત્ર સાથેનું એક કવર મોકલ્યું હતું પરંતુ 18 સપ્ટેમ્બરે તેની તપાસ કરવામાં આવતા તેની માહિતી મેળવવામાં આવી હતી.