એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલને અફેર્સ અંગે ચુપ રહેવા માટે ચુકવવામાં આવેલા નાણાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટન કોર્ટમાં આત્મસમર્પણ કરવા માટે સોમાવારે ન્યૂયોર્કના મેનહટનમાં ટ્રમ્પ ટાવર ખાતે આવી પહોંચ્યા હતા. 2021માં ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલમાં હિંસા આચરી હોવાથી આ વખતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી. ન્યૂયોર્ક સિટી પોલીસે મેનહટન કોર્ટ અને બીજા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી હતી. પોલીસે ટ્રમ્પ ટાવર અને મેનહટન ક્રિમિનલ કોર્ટ બિલ્ડિંગની નજીક બેરિકેડ્ટ લગાવી દીધા હતા.
ટ્રમ્પના વકીલોએ વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને રેડિયો કવરેજનો વિરોધ કર્યો હતો. મંગળવારે ટ્રમ્પની કોર્ટમાં હાજરીનું પ્રસારણ કરવાની મીડિયાને મંજૂરી અપાઇ ન હતી. જોકે જજે પાંચ ફોટોગ્રાફરને કોર્ટની કાર્યવાહી ચાલુ થાય તે પહેલા ફોટોગ્રાફ લેવાની મંજૂરી આપી હતી. ઇન્ડિક્ટમેન્ટ પ્રોસેસના ભાગરૂપે સામાન્ય આરોપીની જેમ ટ્રમ્પના ફિંગરપ્રિન્ટ્સ અને મગશોટ લેવામાં આવશે.
કોર્ટમાં હાજર થયા બાદ તેઓ ફ્લોરિડા પરત જશે. આ કેસમાં ટ્રમ્પ સામેના આરોપમાં સીલબંધ કવરમાં છે અને કોર્ટમાં તેમની સામેના આરોપો વાંચી સંભાળવવામાં આવશે.
મેયર એરિક એડમ્સે તેમને શાંતિ જાળવાની અપીલ કરી હતી અને તેમની સામે કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી.
જો ટ્રમ્પ દોષિત સાબિત થાય છે અને કેસના સંબંધમાં જેલની સજા થશે તો પણ તેઓ પ્રેસિડન્ટની ચૂંટણી માટે કાયદેસર રીતે પ્રચાર કરી શકશે. અમેરિકાના બંધારણમાં દોષિત ઉમેદવાર પર પ્રતિબંધની કોઇ જોગવાઈ નથી. આમ દોષિત વ્યક્તિ પણ જેલમાં રહીને પ્રેસિડન્ટ તરીકે સેવા આપી શકે છે.
સોમવારે ફ્લોરિડાથી ન્યૂયોર્ક પહોંચ્યા પછી તરત જ ટ્રુથ સોશિયલ પ્રોફાઇલ પર ટ્રમ્પે લખ્યું હતું કે આપણે અમેરિકાને ફરે ગ્રેટ દેશ બનાવવો પડશે. તેમણે સમર્થકોને તેમના અભિયાનમાં ડોનેશન આપવાનો પણ અનુરોધ કર્યો હતો.