Trump announced to run for the 2024 presidential election
(Photo by Joe Raedle/Getty Images)

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે મંગળવારે 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત વખતે હંમેશની જેમ કોઇ ભપકો, કોઇ ઉત્તેજક ઉપનામો કે ઓકવર્ડ ડાન્સ થયા નહોતા. તેમના સમર્થકોને મંગળવારે ફ્લોરિડામાં જે જોઈતું હતું તે તેમને મળ્યું હતું.

મેક અમેરિકા ગ્રેટ અગેઈનની રેલીઓની સરખામણીમાં આ વખતે માહોલ ઘણો સૌમ્ય હતો. ફ્લોરિડામાં માર-એ-લાગોના તેમના નિવાસસ્થાનના સોનેરી ચળકાટ ધરાવતા બોલરુમમાં અમેરિકન ધ્વજ સાથે માત્ર તેમના પરિવારના સભ્યો, સલાહકારો અને ખાનગી ક્લબના સભ્યો જ હાજર હતા.

ભૂતપૂર્વ પ્રેસિડન્ટના વિજયવાદી ભાષણમાં “ટ્રમ્પ, ટ્રમ્પ, ટ્રમ્પ”ના નારાઓ સાથે વારંવાર વિક્ષેપ થયો હતો. આખરે ટ્રમ્પે પોતાના સમર્થકો જેની રાહ જોઇ રહ્યાં હતા તે જાહેરાત કરતાં કહ્યું હતું કે “હું આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટપદ માટે મારી ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું”.

તાજેતરના દાયકાઓમાં અમેરિકાની સૌથી વધુ વિભાજનકારી વ્યક્તિ એવા ટ્રમ્પે તેમની ચાર વર્ષની સિદ્ધિઓનું પણ વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એક સમય હતો, જ્યારે “તમામ હરીફોથી આગળ આપણું રાષ્ટ્ર તાકાત, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાના શિખરે હતું.” તેમણે વ્હાઇટ હાઉસ છોડ્યું ત્યારથી 22 મહિનામાં દેશનું વિઘટન થઈ ગયું છે. આ વાત સાથે એક પણ સમર્થક અસંમત થયા નહોતા.

ટ્રમ્પે 2024માં ફરીથી વ્હાઇટ હાઉસની રેસમાં ઝુકાવવાની જાહેરાત કરી છે, પરંતુ રીપબ્લિકશન પાર્ટીના અન્ય નેતાઓ પણ આ રેસમાં તેમની સામે ટક્કર લે તેવી શક્યતા છે.

રીપબ્લિકન પાર્ટીમાં જ તેમના સંભવિત પ્રતિસ્પર્ધીઓની યાદી આ મુજબની છે:

ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ:

ફ્લોરિડાના 44 વર્ષના રીપબ્લિકન ગવર્નર રોન ડીસેન્ટિસ નોમિનેશનમાં ટ્રમ્પના મુખ્ય હરીફ બની શકે છે. મજબૂત રાજકીય આધાર અને જંગી ચૂંટણી ભંડોળ સાથે ડીસેન્ટિસે ગવર્નર તરીકેની બીજી ટર્મમાં ભવ્ય વિજય મેળવ્યો છે. COVID-19 પ્રતિબંધો સામે તેમનો પ્રતિકાર તથા LGBTQ અધિકારો, ઇમિગ્રેશન અને જાતિ આધારિત ચર્ચાઓ પર ઉદારવાદીઓ સાથેના તેમના સંઘર્ષની દેશભરમાં રૂઢિવાદી લોકોએ પ્રશંસા કરી છે.

ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ:

ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે ટ્રમ્પના વફાદાર અને નંબર 2 તરીકે સેવા આપી હતી, જોકે ટ્રમ્પ સમર્થકોએ યુ.એસ. કેપિટોલમાં તોફાનો કર્યા ત્યારે જ તેમના બોસ તેમની વિરુદ્ધ થયા હતા. પેન્સે તે દિવસે ટ્રમ્પનો વિરોધ કર્યો હતો અને કાનૂની આવશ્યકતા મુજબ ડેમોક્રેટ જો બાઇડનનો વિજય પ્રમાણિત કર્યો હતો. ઈન્ડિયાનાના ગવર્નર રહી ચૂકેલા 63 વર્ષના નેતા વ્હાઇટ હાઉસની ચૂંટણી અંગે વિચારણા કરી રહ્યા હોવાનું વ્યાપકપણે મનાય છે. તેમણે ટ્રમ્પના વિરોધી બ્રાયન કેમ્પ માટે ઝુંબેશ ચલાવી હતી.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ:

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટેને ટ્રમ્પે ત્રીજી ટર્મ માટે સમર્થન આપ્યું હતું. 65 વર્ષના એબોટે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વધુને વધુ રૂઢિચુસ્ત નીતિઓ અપનાવી છે. તેમાં કોવિડ -19 રસી અને માસ્ક આદેશોના વિરોધનો સમાવેશ થાય છે. તેમણે એબોર્શન પ્રતિબંધ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા અને મેક્સિકોની સરહદે નવો અવરોધ ઊભો કરી રહ્યાં છે.

યુ.એસ. રીપ્રેસન્ટેટિવ લીઝ ચેની:

અમેરિના રીપ્રેઝન્ટેટિવ લિઝ ચેની (56)એ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં પાછા ફરતા અટકાવવા માટે શક્ય તે તમામ પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કહ્યું હતું કે તે પોતે પ્રેસિડન્ટ માટે ચૂંટણી લડશે કે નહીં તેનો ટૂંક સમયમાં નિર્ણય કરશે. ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ડિક ચેનીની પુત્રીએ 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ પરના હુમલાની કોંગ્રેસની તપાસમાં મોખરાની ભૂમિકા ભજવી છે.

ભૂતપૂર્વ યુએન એમ્બેસેડર નિક્કી હેલી:

સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને ભારતીય ઇમિગ્રન્ટ્સના પુત્રી, હેલી ટ્રમ્પની કેબિનેટમાં સર્વોચ્ચ પદે પહોંચેલા મહિલા હતા, તેમણે સંયુક્ત રાષ્ટ્રોમાં ટ્રમ્પ સરકારના દૂત તરીકે સેવા આપી હતી. રીપબ્લિકન સ્ટાર ગણાતા 50 વર્ષના હેલી ક્યારેક ટ્રમ્પના વિરોધી તો ક્યારે સમર્થક રહ્યા છે. 016ના પ્રેસિડેન્ટ પદની ઝુંબેશ દરમિયાન અને ફરીથી 6 જાન્યુઆરીના તોફાનો પછી જાહેરમાં ટ્રમ્પની ટીકા કરી હતી. આ પછી તેમના નિવેદનો નરમ પડી ગયા હતા અને ટ્રમ્પને એક મિત્ર ગણાવ્યા હતા. પ્રેસિડન્ટપદની રેસ અંગે જૂનમાં હેલીએ સંકેત આપ્યો હતો કે “જો મારા માટે કોઈ શક્યતા હશે” તો લડીશ.

LEAVE A REPLY