અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા તેમજ તૈયારીમાં કોઇ કમી ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટેરા સ્ટેડિયમ જઇ સમીક્ષા કરી હતી. ખાસ યુએસથી તેમની સુરક્ષા માટે વિવિધ પ્રકારનાં ઉપકરણો અને સ્ટાફ આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓ રાજ્યની સરહદ પર સખત વોચ રાખી રહી છે.
ત્યારે કંડલાનાં બંદર પાસેથી બિનવારસી હાલતમાં થુરાયા સેટેલાઇટ ફોન મળી આવ્યો છે. હાલ આ અંગે ગુજરાત પોલીસ, એટીએસની ટીમ અને ગુપ્તચર એજન્સીઓ તપાસ હાથ ધરી છે. ટ્રમ્પનાં આગમન પહેલા નાનામાં નાની વાતને પણ સુરક્ષા એજન્સીઓ ચકાસી રહી છે. આ સાથે ગુપ્તચર એજન્સીઓ તે પણ તપાસ કરી રહી છે કે આ ફોન પરથી ક્યાં ક્યાં વાત થઇ હતી અને છેલ્લે ક્યારે રિચાર્જ કરાયું હતું.
સેટેલાઇટ ફોનથી પ્લેનમાં બેઠા બેઠા પણ ફોન થઇ શકે છે અને જાહજ ઉપર ટ્રાવેલ કરતા હોવ તો પણ વાત કરી શકાય છે. આ ફોનને સમયાતંરે રિચાર્જ કરવાનો હોય છે. સૂત્રો અનુસાર, ગુપ્તચર એજન્સીઓને એવી પણ શંકા છે કે, કંડલા પર આવતા જહાજમાં કોઇ ક્રૂ મેમ્બરે આનો ઉપયોગ કર્યો હોય અને તેને રિચાર્જ કર્યા વગર ફેંકી દીધો હોય તેમ પણ લાગે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવવાનાં છે ત્યારે અમદાવાદમાં પોલીસ દ્વારા સુરક્ષા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અમદાવાદના જાહેર સ્થળો પર કલરકામ અને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે.