કેનેડા સરકાર હલાલ મોર્ગેજ સહિતના નાણાકીય વિકલ્પો વ્યાપક બનાવવા માટે તેની છણાવટ કરી રહી છે. આ પહેલ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કેનેડાના લોકોને પોતાના ઘરોના માલિક બનાવવા માટેના પ્રયાસોનો ભાગ છે અને યોજનાનું ખાસ ફોકસ મુસ્લિમ સમુદાય છે.
તાજેતરમાં જ રજૂ કરાયેલા બજેટમાં ટ્રૂડો સરકારે જણાવ્યુ હતું કે તેણે નાણાકીય સેવા પ્રદાતાઓ અને વિવિધ સમુદાયો સાથે આ મુદ્દે ચર્ચાવિચારણા પણ શરૂ કરી છે. સરકારનો આ યોજના પાછળનો આશય પોતાના ઘરના માલિક બનવા ઇચ્છતા કેનેડાના લોકોની વૈવિધ્યતાપૂર્ણ જરૂરિયાતો પૂરી કરવામાં સંઘીય નીતિઓ કરી રીતે કામ કરી શકે તે સમજવાનો છે.
કેનેડાના 2024ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ‘ગ્રાહકો માટે સુરક્ષા માપદંડો સુનિશ્ચિત કરવાની સાથે જ, આ પ્રોડક્ટ્સ માટેની ટેક્સ ટ્રીટમેન્ટ્સમાં કઇ રીતે ફેરફાર કરવા અથવા નાણાકીય સેવા પ્રદાતાઓ માટે નવા નિયામક એકમની રચના સહિતની બાબત સામેલ છે.’
આ બજેટ દસ્તાવેજમાં કેનેડા સરકારે સાથે જ વિદેશી રોકાણકારો માટે એક જાન્યુઆરી, 2023થી લાગુ પડે તે પ્રમાણે કેનેડામાં રહેણાંક સંપત્તિની ખરીદી કરવા સામે બે વર્ષનો પ્રતિબંધ પણ લાદ્યો છે. સરકારનો દાવો છે કે કેનેડિયન લોકોને રહેવા માટે પર્યાપ્ત સંખ્યામાં ઘર ઉપલબ્ધ થાય અને અહીં રહેણાંકની સંપત્તિમાં સટ્ટાખોરી થાય નહીં તે સુનિશ્ચિત કરવાનું છે.
બજેટ પ્રસ્તાવમાં કહેવાયું હતું કે,‘સરકાર વિદેશીઓ પર વધુ બે વર્ષ કેનેડામાં ઘરોની ખરીદી કરવા સામેના પ્રતિબંધ લંબાવવાના પોતાના આશયની જાહેરાત કરે છે જે 1 જાન્યુઆરી 2027 સુધી અમલમાં રહેશે. વિદેશી કોમર્શિયલ એકમો અને લોકો જેઓ કેનેડાના નાગરિક અથવા કાયમી રેસિડેન્ટ્સ નથી તેમના ઉપર કેનેડામાં રહેણાંક સંપત્તિની ખરીદી કરવા સામે પ્રતિબંધ યથાવત રહેશે.