યુકેમાં પેટ્રોલ ટેન્કર ડ્રાઇવરોની અછત તથા પેટ્રોલની માંગમાં અસામાન્ય ઉછાળાથી ફ્યૂઅલ સંકટ ઊભું થયું છે. આ સ્થિતિ ઉકેલવા બ્રિટિશ લશ્કરના 200 જવાનો (100 ડ્રાઇવરો સહિત)ની મદદ લેવામાં આવી રહી છે. પેટ્રોલની અછતને કારણે પંપો ઉપર કારચાલકોની લાંબી કતારો છેલ્લા કેટલાત દિવસોથી લાગી રહી છે.
સરકારે બ્રેક્ઝિટ પછીના આકરા અભિગમમાં યુ-ટર્ન લઈ વિદેશી ટ્રકચાલકોને ટૂંકા ગાળાની વિઝા મુક્તિની ઓફર પણ કરી છે.ટેન્કર ચાલકોની અછત માટે સરકારની નિષ્ક્રિયતાને દોષ દેવાઇ રહ્યો છે ત્યારે શેલ, બીપી અને એસો જેવા ફયુઅલ ઓપરેટરો પર્યાપ્ત બળતણ તથા અપેક્ષિત માંગ તુરંતમાં પૂર્વવત્ થવાની વાત કરી રહ્યા છે.
જો કે, આ બાબતે ચિંતિત સરકારે જણાવ્યું હતું કે, સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. સરકારે મહત્ત્વની કાર્યવાહી કરતા ટ્રક ડ્રાઇવરો માટે ઇમરજન્સી વિઝા પ્રોગ્રામમાં વધારો કર્યો છે. ટોરી સરકારે જણાવ્યું હતું કે, અંદાજે પાંચ હજાર વિદેશી ટ્રક ડ્રાઇવરોને હંગામી વિઝા આપવામાં આવશે. આ વિઝા ક્રિસમસને બદલે ફેબ્રુઆરીના અંત સુધી અમલમાં રહે તેવી સંભાવના છે. ગત સપ્તાહે જાહેર કરવામાં આવેલા ઓછા સમયના વિઝાની ટીકા કરવામાં આવી હતી, કારણ કે, તે વિદેશી ડ્રાઇવરોને આકર્ષવામાં નિષ્ફળ ગયા હતા. સરકારે જણાવ્યું હતું કે, 300 ડ્રાઇવર તાત્કાલિક બ્રિટન આવી શકશે અને માર્ચ સુધી રોકાઇ શકશે. વિદેશી ફૂડ ટ્રક ડાઇવરો માટે 4700 જેટલા અન્ય વિઝા ઓક્ટોબરના અંતથી ફેબ્રુઆરીના અંત સુધી અમલમાં રહેશે.
આ અંગે બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેગે જણાવ્યું હતું કે, યુકે ફોરકોર્ટ સ્ટોક જરૂરી સ્તરે છે, ફોરકોર્ટમાં ફ્યૂઅલની ડિલીવરી સામાન્ય સ્તર કરતા વધુ છે અને પેટ્રોલની માંગ સ્થિર થઇ રહી છે. દેશમાં ફ્યૂઅલની કોઇ અછત નથી અને તેના પર દબાણ ઓછું કરવું મહત્ત્વનું છે. લોકોએ સામાન્ય સંજોગો મુજબ જ પેટ્રોલની ખરીદી કરતા રહેવું જોઇએ.
સ્વતંત્ર ફિલિંગ સ્ટેશન્સનું પ્રતિનિધિત્વ કરતા-પેટ્રોલ રીટેઇલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, પેટ્રોલની અછતની સમસ્યા ઊભી થઇ છે અને ઘણા સ્થળોએ સ્થિતિ ખરાબ થઇ શકે છે. એસોસિએશનના ચેરમેન બ્રાયન મેડરસને મીડિયાને જણાવ્યું હતું કે, લંડન અને સાઉથ-ઇસ્ટમાં તેમ જ ઇસ્ટ ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં કદાચ સ્થિતિ બગડી શકે છે. મેડરસને સેનાના ડ્રાઇવરોને તહેનાત કરવાની બાબતનું સ્વાગત કરીને ચેતવણી આપી હતી કે, તેની અસર મર્યાદિત રહેશે, તેનાથી સમસ્યાનું સંપૂર્ણ નિવારણ નહીં થાય પરંતુ એક મોટી મદદ મળશે.
બ્રિટનમાં અત્યારના ફ્યૂઅલ સંકટ પછી એ બાબતે ચર્ચા થઇ રહી છે કે, શું દેશ ફરીથી 1970ના દાયકાની આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યો છે? જોકે, વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારે એ મુદ્દો ફગાવ્યો હતો કે, વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર 1970ના દાયકાના ફુગાવાના સમય તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ તેમણે જણાવ્યું કે, સસ્તા આયાતી લેબરની દાયકાઓ જુની ટેવ હવે બિઝનેસીઝે ભૂલવી જોઈએ. હકીકતમાં બ્રેક્ઝિટ પછી બ્રિટનની અર્થવ્યવસ્થા ડચકા ખાઇ રહી છે. બ્રેક્ઝિટ પછી કોરોના વાઇરસ મહામારીએ શ્રમિકોની અછતમાં વધારો કર્યો છે. ત્યારપછી પેટ્રોલ, માંસ, બોટલમાં પેક પાણીનો પૂરવઠો ખોરવાયો છે અને તેના કારણે અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે. એવું મનાય છે કે, આને કારણે અર્થતંત્ર પર અસર થઇ શકે છે.
સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું કે, સાઉથ ઇંગ્લેન્ડના ફ્યૂઅલ ડેપોમાં મંગળવારે બ્રિટિશ આર્મીના કર્મચારીઓ ટ્રેનર્સ સાથે ફ્યૂઅલ ટેન્કર ચલાવતા દેખાયા હતા. બીબીસીએ વડાપ્રધાનને પૂછ્યું હતું કે, શું બ્રિટન સંકટમાં છે, તો તેમણે ‘ના’ કહી હતી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે તમે બ્રિટનની અર્થવ્યવસ્થા અને હકીકતમાં વૈશ્વિક અર્થતંત્રને સાથે જોઇ રહ્યા છો. મોટાભાગે ફક્ત સપ્લાય ચેઇનમાં સંકટ છે, જે ઝડપથી દૂર થઇ જશે અને તે થઇ પણ રહ્યું છે.’