પાલનપુરની કોર્ટે ટ્રિપલ તલાક મારફત પત્નીને છૂટાછેડા આપવાનો પ્રયાસ કરનારા સરકારના ક્લાસ વન અધિકારીને બુધવારે એક વર્ષની જેલની સજા ફટકારી હતી. સરકારી વકીલ સંજય જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટ્રિપલ તલાક કેસમાં આ સંભવત પ્રથમ સજા છે. કોર્ટે આરોપીને રૂ.5,000નો દંડ પણ કર્યો હતો.
કોર્ટે સરકારી ડેપ્યુટી એન્જિનર સરફરાઝખાન બિહારીને આ સજા ફટકારી હતી. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર પાલનપુર કોર્ટે ટ્રિપલ તલાકના કેસમાં નોકરીયાત આરોપીને 1 વર્ષ અને 5000 દંડની સજા કરી હતી.
વડગામ તાલુકાના જુનીનગરીના વતની સહેનાજબાનુનાં લગ્ન હેબતપુરના વતની સરફરાઝ ખાન બિહારી સાથે થયા હતા. સરફરાઝખાન દાંતીવાડા સીપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાથી તેઓની સાથે નોકરી કરતી અન્ય સમાજની યુવતીને લઇને ભાગી ગયા હતા. સરફરાઝખાન સહેનાજબાનુ સાથે સંબંધ રાખતો નહોતો . તે આરસામાં સરફરાજને અન્ય યુવતીથી પુત્ર થતાં સહેનાજબાનુએ વિરોધ કર્યો હતો. સરફરાઝે માર મારી અને ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ઘરમાંથી પુત્રી સાથે કાઢી મુકી હતી. સરફરાઝની બહેન સુલતાનાબાનુએ સહેનાજબાનુને ગડદાપાટુનો માર મારી, અપશબ્દો બોલી ઘરમાંથી પહેરેલ કપડે પુત્રી સાથે કાઢી મુકી હતી.