કોંગ્રેસની રાજ્ય કક્ષાની ચિંતન શિબિર દ્વારકામાં રવિવારે (27 ફેબ્રુઆરી) પૂર્ણ થઈ છે, છેલ્લા દિવસે કોંગ્રેસે રજૂ કરેલા સંકલ્પ પત્રમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર સંકલ્પો રજૂ કરાયા હતા. કોંગ્રેસ રાજયમાં સત્તામાં આવે તો ગુજરાતમાં સ્નાતક સુધી કન્યાઓને મફ્ત શિક્ષણ તથા શહેરી વિસ્તારોમાં વોર્ડ કક્ષાએ સેવા, નિદાન અને સારવાર આપતા ત્રિરંગા ક્લિનિક સ્થાપવાનો સંકલ્પ કરાયો છે. આ ઉપરાંત કોવિડના તમામ મૃતકના પરિવારજનોને ચાર લાખની તુરંત સહાય ચૂકવવાનો સંકલ્પ કરાયો છે. જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
શિક્ષણના વ્યાપારીકરણ થકી થતા શોષણમાંથી વાલીઓેને મુક્તિ આપવા માટે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલ નામે મોડલ શિક્ષણ સંકુલ સ્થાપવામાં આવશે. ઉપરાંત વર્ષે 10 લાખ નવી રોજગારીની તકોનું સર્જન કરાશે, જરુરતમંદ પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે ન્યાય યોજના અંતર્ગત વાર્ષિક 70 હજાર રૂપિયાની સીધી મદદ કરવામાં આવશે. આઉટસોર્સિગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરાશે. મોંઘવારીના દર સાથે લઘુતમ વેતન સુનિશ્ચિત કરાશે. આંગણવાડી, આશાવર્કરો, મધ્યાહન ભોજનના કર્મચારીઓને શોષણમાંથી મુક્તિ આપીને તેમના માટે લઘુતમ વેતન લાગુ કરાશે તથા જે કર્મચારી 10 વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા હશે તેમને કાયમી કરાશે.