રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી સહિત અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં પહેલા ગાંધીજીના સમાધી સ્થળ- રાજઘાટ જઇને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પછી વિજય ઘાટ જઈને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારીત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.