મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં સોમવાર, 9 જાન્યુઆરી 2023એ 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને વિદેશની ધરતી પર ભારતના “બ્રાન્ડ એમ્બેસેડર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ આગામી 25 વર્ષના ‘અમૃત કાલ’માં પ્રવેશી રહેલા દેશની સફરમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ સંમેલનમાં ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય અતિથિ બન્યા છે અને સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
મોદીએ જણાવ્યું હતું કે “હું વિદેશની ધરતી પર પ્રવાસી ભારતીયોને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર માનું છું. તમારી ભૂમિકા વૈવિધ્યસભર છે. તમે યોગ, આયુર્વેદ, કુટીર ઉદ્યોગ, હસ્તકલા અને બાજરીના બ્રાન્ડ એમ્બેસેડર છો.”
વડાપ્રધાને કહ્યું હતું કે જેનેનેક્સ્ટ પ્રવાસીઓ પણ તેમના માતાપિતાના મૂળ દેશ વિશે જાણવા માટે ઉત્સુક છે. મોદીએ વિદ્યાર્થીઓના લાભ માટે ડાયસ્પોરોએ તેમના સંબંધિત દેશોમાં આપેલા યોગદાન અંગે દસ્તાવેજ તૈયાર કરવા ભારતની યુનિવર્સિટીઓને અનુરોધ કર્યો હતો.
મોદીએ કહ્યું હતું કે નર્મદા નદી અને ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં તાજેતરમાં વિકસિત મહાકાલ લોક સહિત મધ્યપ્રદેશમાં અનેક કુદરતી સ્થળો છે અને ડાયસ્પોરાએ આ સ્થળોની મુલાકાત લેવી જોઇએ.
પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિનું આયોજન કરી રહેલા ઈન્દોરની ભરપૂર પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે, ઈન્દોર માત્ર સ્વચ્છતામાં જ નહીં પરંતુ તેના વારસાનું પણ ધ્યાન રાખે છે. ઈન્દોરની સ્વાદિષ્ટ વાનગીઓ મોઢામાં પાણી લાવી દે છે અને જે લોકો તેનો એકવાર સ્વાદ લે છે તેઓ ક્યારેય બીજી કોઈ વસ્તુ તરફ વળશે નહીં.
આ સંમેલનના વિશેષ અતિથિ અને સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપરસાદ સંતોખીએ જણાવ્યું હતું કે ભારત પ્રાદેશિક અને વૈશ્વિક મંચો પર એક વિશ્વસનીય ભાગીદાર પુરવાર થયું છે. તેમણે જણાવ્યું હતું કે સુરીનામે દેશમાં હિન્દી ભાષાના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપીને આરોગ્ય, નાણાકીય ક્ષેત્રો તથા અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારા માગે છે.
ગયાના પ્રમુખ મોહમ્મદ ઇરફાન અલીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન વૈશ્વિકરણ નિષ્ફળ ગયું, ત્યારે મોદીએ બતાવ્યું કે તે અસ્તિત્વમાં છે.
તેમણે વિવિધ દેશોને કોવિડ-19 રસી અને દવાઓ પૂરી પાડવામાં ભારતની મદદને યાદ કરી અને ભારતને એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગયાનામાં ભારતના ખાનગી ક્ષેત્ર માટે વિશાળ તકો છે. તેમણે ગયાનાની અર્થવ્યવસ્થાને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પણ ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે મેં અગાઉ આ દેશની મુલાકાત લીધી હતી અને પ્રેસિડન્ટ બનતા પહેલા અહીં અભ્યાસ કર્યો હતો અને ભારતીય લોકોનો પ્રેમ અનુભવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 130 કરોડ લોકો વતી પ્રવાસીઓનું સ્વાગત કરતા કહ્યું હતું કે આખી દુનિયા આપણો દેશ છે. આ કાર્યક્રમ લગભગ ચાર વર્ષ પછી યોજાઈ રહ્યો છે અને ચાર વર્ષ પછી તે તેના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણ ભવ્યતા સાથે પરત ફરી રહ્યો છે. પ્રિયજનોને રૂબરૂ મળવાનો, રૂબરૂ વાત કરવાનો એક અલગ જ આનંદ મળે છે.
અતિથી દેવો ભવની ભાવના પર પ્રવાસી ભારતીય સંમેલન માટે ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પધારોં મારા ઘર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના 75 જેટલા ઘરોએ પ્રવાસીઓને તેમના ઘરમાં રહેવા માટે સંમતિ આપી હતી. આજે પ્રવાસી ભારતીય સંમેલનનું યજમાન ઇન્દોર શહેરને મળ્યું છે. જેના માટે ઈન્દોરમાં આવનાર NRIનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. આ માટે અનોખા પ્રયાસો થઈ રહ્યા છે.