કોરોનાવાયરસના ત્રણ આકરા મોજાઓના સામનો કરનાર યુકેમાં વિદેશથી આવનારા દરેક મુસાફરોએ આગામી તા. 15 ફેબ્રુઆરીથી 10 દિવસના સમયગાળા માટે સરકાર દ્વારા માન્ય ફેસેલીટી ખાતે ફરજીયાત હોટલ ક્વોરેન્ટાઇન કરવું પડશે એવી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર (DHSC)એ જાહેરાત કરી છે.
તા. 4 ના રોજ સાંજે DHSC એ પોર્ટ અને એરપોર્ટની નજીકની હોટલોને ઔપચારિક કરાર કરવામાં આવે તે પહેલા તેઓ મેનેજ્ડ ક્વોરેન્ટાઇનની કેવી સુવિધાઓ આપી શકે તે અંગે પૂછપરછ કરી હતી. વાઇસ ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર ગોર્ડન મેસેંજર આ અંગે સલાહ આપનાર છે. સરકારે ગયા અઠવાડિયે એવિએશન, મેરીટાઇમ, હોટલ અને હોસ્પિટાલીટી ઉદ્યોગના તમામ હિસ્સેદારો સાથે બેઠક કરી યોજનાને 15 ફેબ્રુઆરીથી અંતિમ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે.
હેલ્થ સેક્રેટરીએ તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ અને અધિકારીઓએ ન્યુઝીલેન્ડના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી. મુસાફરો કેવી રીતે આ હોટેલોમાં બુકીંગ કરાવી શકશે તે અંગેની વધુ વિગતો આવતા અઠવાડિયે નક્કી કરવામાં આવશે.
DHSCના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’વૈશ્વિક રોગચાળા દરમિયાન સરકારે વૈજ્ઞાનિકોની સલાહ મુજબ પ્રમાણસર પગલાં અને બોર્ડર પર આકરા પગલા ભર્યા છે. હાલમાં હોલીડે પર જવાનું ગેરકાયદેસર છે, અને યુકેમાં આવતા મુસાફરોએ મુસાફરી કરતા પહેલા નેગેટીવ ટેસ્ટનો પુરાવો આપવો આવશ્યક છે. આ ઉપરંત યુકાવ્યા પછી ઘરે સેલ્ફ આઇસોલેટ થવું ફરજીયાત છે.
આ પગલાં હોમ સેક્રેટરીની 27 જાન્યુઆરીએ કરેલી ઘોષણાને આધારે લેવાઇ રહ્યા છે જેમાં સરકાર કોવિડ-19ના ફેલાવોનું જોખમ ઘટાડવા દેશમાં આવતા અને જતા મુસાફરો માટે આગળની કાર્યવાહી કરી રહી છે.