નુકશાન અને મંદીનો સામનો કરી રહેલ ટ્રાવેલ ઉદ્યોગે યુકે સરકારને ફ્રાન્સ અને ગ્રીસ સહિતના યુરોપના કેટલાક દેશોમાં હોલીડે કરીને પરત આવતા મુસાફરો પર કોવિડ-19ની 14 દિવસની ક્વોરેન્ટાઇન પોલિસી પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી છે. યુરોપના કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસોમાં વધારો થતાં સરકારે આકરા પગલા ભર્યા છે.
એરપોર્ટ પર પરીક્ષણ અને પ્રાદેશિક ક્વોરેન્ટાઇન જરૂરિયાતોના પગલા થકી સરકાર કોવિડ-19ના વધતા જતા ચેપો પર કાબુ મેળવવા માંગે છે. પરંતુ તેના કારણે ટ્રાવેલ ઉદ્યોગે નુકશાન અને મંદીનો સામનો કરવા પડે છે.
યુકેમાં પેસેન્જર ફેરી ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતા ડિસ્કવર ફેરીના ડિરેક્ટર, એમ્મા બેટચેલરે જણાવ્યું હતું કે “યુકે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કોઈપણ ક્વોરેન્ટાઇન પ્રતિબંધ પ્રમાણસર હોવા જોઈએ અને તેની સમીક્ષા કરવી જોઇએ. આખા દેશને બદલે સલામત સ્થળો નક્કી કરવા જોઇએ. અમે સરકારને તેમના નિર્ણય અંગેના ધોરણો અને સમયમર્યાદા પ્રત્યે પારદર્શક રહેવા પણ વિનંતી કરીએ છીએ.’’
મે માસથી ફ્રાન્સના કેસોમાં સૌથી વધુ વધારો નોંધાઈ રહ્યો છે. હોલીડે માટે સ્પેન અને ફ્રાન્સના વિકલ્પ તરીકે ઉભરી રહેલા દેશો, જેમ કે ગ્રીસમાં પણ કેસોમાં તીવ્ર વધારો થયો છે. ફ્રાન્સમાં શુક્રવારે તા. 31ના રોજ 24 કલાકમાં 2,288 નવા કેસ નોંધાયા હતા.
સરકારની 14 દિવસની ક્વોરેન્ટાઇનની યાદીમાં હાલમાં યુરોપિયન દેશોના સ્પેન, બેલ્જિયમ અને એંડોરાનો સમાવેશ થાય છે. દરમિયાન, રવિવારે તા. 2 ના રોજ બ્રિટનમાં કોરોનાવાયરસના કેસોમાં 1,062નો વધારો થયો છે. જૂનના અંત પછી પ્રથમ વખત દૈનિક કુલ કેસનો આંક 1,000થી વધ્યો છે. શનિવારે તા.2 ના રોજ 758 કેસ નોંધાયા હતા અને કોવિડ-19ના કારણે આઠ લોકોના મોત નીપજ્યા હતા.