ભારતમાં કોરોના વાઇરસના કેસોના વિસ્ફોટ પગલે બ્રિટનને શુક્રવારથી ભારત પર ટ્રાવેલના સૌથી આકરા નિયંત્રણો મૂકવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન બોરિસ જોન્સને નવી દિલ્હીની મુલાકાત રદ કર્યાના થોડા કલાકોમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે સોમવારે જણાવ્યું હતું કે ભારતનો રેડ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે યુકે કે આઇરિશ નાગરિક ન હોય તેવા કોઇપણ વ્યક્તિ અગાઉના 10 દિવસ માટે ભારતમાં રહ્યાં હોય તો તેઓ યુકેમાં પ્રવેશ કરી શકશે નહીં.
હેન્કોકે જણાવ્યું હતું કે આગમન પહેલાના છેલ્લાં 10 દિવસોમાં ભારતમાં રહ્યાં હોય તેવા યુકે અને આઇરિશ લોકો અને બ્રિટનના નાગરિકોએ આગમનના સમયથી 10 દિવસ માટે હોટેલમાં ક્વોરેન્ટાઇન રહેવું પડશે. આ નિયમો શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવાર ચાર વાગ્યાથી (0300 GMT) અમલી બનશે. બ્રિટનમાં કોરોના વાઇરસના ઇન્ડિયન વેરિયન્ટના 103 કેસો નોંધાયા છે.