વીજળીની માગમાં તીવ્ર ઉછાળાને કારણે ઇન્ડિયન રેલવેએ છેલ્લાં બે સપ્તાહમાં દરરોજ આશરે 16 મેલ-એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. રેલવેએ જણાવ્યું કે 24 મે સુધીમાં પેસેન્જર ટ્રેનોની 670 ટ્રિપ રદ કરવામાં આવશે. તેમાંથી 500 ટ્રિપ લાંબા અંતરની મેઈલ અને એક્સપ્રેસ ટ્રેન માટે છે.
સૂત્રોએ જણાવ્યું કે કોલસાની હેરાફેરી માટે રેલવેએ રોજની 415 કોલ રેક ફાળવવા નિર્ણય લીધો છે જેમાં દરેકમાં 3000 ટન કોલસો વહન કરી શકાશે, જેથી હાલની માંગને પહોંચી શકાય. આ રીતે ઓછામાં ઓછા બે મહિના સુધી કામ કરવામાં આવશે, જેથી પાવર પ્લાન્ટ ખાતે સ્ટોક વધારી શકાય અને જુલાઈ-ઓગસ્ટમાં વીજ કટોકટી ટાળી શકાય. સામાન્ય રીતે આ બે મહિનામાં વરસાદના કારણે માઇનિંગ કામગીરી અટકી જાય છે.
પેસેન્જર ટ્રેનો રદ કરવાના કારણે લોકોમાં નારાજગી છે અને કેટલાક રાજ્યોમાં તેનો વિરોધ કરવામાં આવ્યો છે. રેલવેના એક અધિકારીએ કહ્યું કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા કોલસાનો સપ્લાય વધારવાની છે જેથી વીજળીનું ઉત્પાદન બંધ ન થઈ જાય. અમારે કામચલાઉ ધોરણે આ કરવું જ પડશે. પાવર પ્લાન્ટ્સ આખા દેશમાં પથરાયેલા હોવાથી રેલવેએ લાંબા અંતરની ટ્રેનો દોડાવવી પડશે અને મોટી સંખ્યામાં કોલ રેક દોડાવવામાં 3થી 4 દિવસનો સમય લાગી જાય છે. પૂર્વ વિસ્તારમાંથી કોલસો કાઢીને ઉત્તર, સેન્ટ્રલ અને વેસ્ટર્ન ભાગોમાં પહોંચાડવામાં આવે છે.
સત્તાવાર ડેટા પ્રમાણે રેલવે 2016-17માં રોજની 269 કોલ રેક ભરવામાં આવતી હતી. 2017 અને 2018માં તેનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ ત્યાર પછીના બે વર્ષમાં લોડિંગ ઘટીને 267 રેક થયું હતું. ગયા સપ્તાહમાં તેને વધારીને રોજના 347 રેક કરવામાં આવ્યું હતું. ગુરુવારે દૈનિક 400થી 405 રેક દોડાવવામાં આવતી હતી. દેશમાં જે વીજળીનું ઉત્પાદન થાય છે તેમાંથી 70 ટકા વીજળી કોલસા પર આધારિત છે.