કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવા માટે દિલ્હી પોલીસે ખેડૂતોને રવિવારે શરતી મંજૂરી આપી હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આંદોલનકારી ખેડૂતોમાં દિલ્હીમાં પ્રવેશી શકે છે, પરંતુ પ્રજાસત્તાક દિનની પરેડમાં ખલેલ પહોંચાડી શકશે નહીં. દિલ્હીમાં રાજપથ પર પરંપરાગત પ્રજાસત્તાક પરેડ બાદ ખેડૂતોની ટ્રેક્ટર રેલી ચાલુ થશે.
બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી માટે દિલ્હીમાં પ્રવેશ કરવો પડશે. રવિવારે બે રાઉન્ડની મંત્રણા બાદ પોલીસે આ ટ્રેક્ટર રેલીને મંજૂરી આપી હતી. ખેડૂતોએ શાંતિપૂર્ણ રેલીનું વચન આપ્યું છે અને તેઓ દિલ્હીની ફરતે આવેલી રિંગ રોડ પર આ રેલી કાઢશે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ખેડૂતોએ દિલ્હીમાં થોડા કિમી અંદર આવી શકશે અને નિર્ધારિત પોઇન્ટ્સથી બહાર નીકળી જશે. આ રેલીમાં કેટલાં સંખ્યામાં ટ્રેક્ટર સામેલ થશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનનો સમારંભ સવારે 11.30એ પૂરો થાય તે પછી ટ્રેક્ટર રેલી ચાલુ થશે.
ખેડૂતોએ આને કિસાન ગણતંત્ર પરેડ નામ આપ્યું છે. ભારતીય ખેડૂત યૂનિયનના યુદ્ધવીર સિંહે રૂટ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, અમે સિંધુ બોર્ડરથી દિલ્હીમાં 10 કિમી અંદર જશું. ત્યારપછી સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, બવાના, કંઝાવાલા, કુતુબગઢ થઈને ચંદી બોર્ડર પહોંચીશું. પછી અમે હરિયાણામાં દાખલ થશું અને પાછા સિંધુ આવી જશું. તેમણે કહ્યું કે, 100 કિમીની આ માર્ચનો 45 કિમીનો ભાગ દિલ્હીમાં હશે.