યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટને ટ્રાવેલ નિયંત્રણો હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે સેલ્ફ આઇસોલેટ થવું પડશે નહીં. તેમનો કોરોના ટેસ્ટ પણ નહીં થાય. જો કે, આ ભારત માટેની કોઈ ખાસ સુવિધા નથી, તેની રાબેતા મુજબની સમીક્ષામાં ભારત સિવાય પણ બીજા ઘણા દેશોની હળવા નિયમોનો લાભ મળશે.
ભારતમાં બ્રિટનના હાઈકમિશનર એલેક્સ એલિસે કહ્યું હતું કે, ભારતના નાગરિકોએ બ્રિટનમાં 11 ઓક્ટોબરથી ક્વોરેન્ટાઈન થવાની જરૂર નહીં પડે. જોકે, આ લોકોએ કોવિશિલ્ડ અથવા બ્રિટને માન્ય કરેલી હોય તેવી અન્ય કોઈ રસી લીધી હોવી જરૂરી છે.
બ્રિટનના આ નિર્ણયથી નોકરી, અભ્યાસ કે પ્રવાસ માટે યુકે આવતા સેંકડો ભારતીયને રાહત થશે.
યુકેએ ભારતના નાગરિકોને ટ્રાવેલ નિયંત્રણો લાગું પડશે તેવો નિર્ણય લીધા પછી ભારતે પણ બ્રિટનના નાગરિકો માટે સમાન પ્રકારના નિયંત્રણો લાદીને વળતો પ્રહાર કર્યા બાદ યુકેએ તેની ગાઇડલાઇનમાં આ ફેરફાર કર્યો છે.
બંને દેશો વચ્ચે એસ્ટ્રેઝેનેકાની કોરોના વેક્સિનના ભારતમાં ઉત્પાદિત વર્ઝન કોવિશીલ્ડના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. યુકેએ અગાઉ કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી ફુલી વેક્સિનેટેડ ભારતીય પ્રવાસીઓએ પોતાના ખર્ચે યુકેમાં 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડતું અને કોરોના ટેસ્ટ કરાવવો પડતો હતો.
ભારતે બ્રિટનના આ પગલાંને ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું. બંને દેશો વચ્ચેની મંત્રણા બાદ યુકેએ ગયા મહિને કોવિશીલ્ડને માન્યતા આપી હતી. પરંતુ ભારતના વેક્સિન સર્ટિફિકેટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ભારતનો ક્વોરેન્ટાઇન મુક્ત દેશોની યાદીમાં સમાવેશ કર્યો નહોતો. નવાઇની વાત એ હતી કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા બીજા દેશોના નાગરિકોને બ્રિટને ક્વોરેન્ટાઇનના નિયમોમાં છૂટ આપી હતી. તેથી ભારતે પણ વળતા પગલાં લીધા હતા અને ગયા સપ્તાહે ભારતમાં ટ્રાવેલ કરતાં ફુલી વેક્સિનેટેડ બ્રિટિશ નાગરિકો માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન અને કોવિડ ટેસ્ટનો નિયમ લાગું કર્યો હતો.
બ્રિટને તેના નિયંત્રણોની દર ત્રણ સપ્તાહે સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી અને તે મુજબ ગુરૂવારે (7 ઓક્ટોબર) પ્રથમ સમીક્ષા પછી જાહેર કરેલા નિર્ણયો મુજબ સાઉથ આફ્રિકા અને થાઇલેન્ડ સહિતના 47 દેશો માટે ક્વોરેન્ટાઇનના આકરા નિયમો હટાવી દીધા છે. આ ઉપરાંત ભારત અને તુર્કી સહિતના દેશોમાંથી આવતા લોકો માટે બ્રિટનમાં પ્રવેશવાનું સરળ બનાવ્યું છે. બ્રિટને અગાઉ ઊંચુ જોખમ ધરાવતા દેશોને રેડ લિસ્ટમાં મૂક્યા હતા અને સરકારે પૂરી પાડેલી ક્વોરેન્ટાઇન હોટેલમાં 10 દિવસ રહેવું પડતું હતા. આ ઉપરાંત પીસીઆર ટેસ્ટ અને બીજા ટેસ્ટના પણ ફરજિયાત કરવામાં આવ્યા હતા, તેથી ફ્લાઇટ કરતા આ ખર્ચ વધી જતો હતો.
ગુરુવારે ટ્રાન્સપોર્ટ પ્રધાન ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે તેઓ 47 દેશોને રેડ લિસ્ટમાંથી દૂર કરશે. જોકે કોલંબિયા, ઇક્વાડોર, પનામા અને વેનેઝુએલા સહિતના સાત દેશોને હજુ રેડ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તેમણે ભારત, તુર્કી અને ઘાના જેવા દેશો માટે પણ નિયમો હળવા કર્યા છે. આનો અર્થ એવો થાય છે કે ફુલી વેક્સિનેટેડ લોકોએ આગમનના બીજા દિવસે માત્ર કોરોના ટેસ્ટ કરવવો પડશે અને ક્વોરેન્ટાઇન થવું પડશે નહીં.