ફ્રાન્સની અગ્રણી કંપની ટોટલ એનર્જીએ અદાણી ગ્રૂપમાં 50 બિલિયન ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણની યોજના મોકૂફ રાખી છે. ટોટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પેટ્રીક પોયાનીએ આ જાહેરાત કરી હતી. ન્યૂ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડબર્ગના આક્ષેપોને પગલે અદાણી ગ્રૂપ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
અદાણી ગ્રૂપ અને ટોટલ વચ્ચે ગયા વર્ષના જૂનમાં આ ભાગીદારીની જાહેરાત કરાઈ હતી. આ સમજૂતી મુજબ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમ ટોટલ 25 ટકા હિસ્સો ખરીદવાની હતી. અર્નિંગ કોલમાં સીઇઓએ જણાવ્યું હતું કે ટોટલ એનર્જીએ હજુ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા નથી. સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વધુ પ્રોજેક્ટની ઉમેરો કરવાનો અર્થ નથી. અદાણીએ આ આક્ષોપોનો જવાબ આપવો જોઇએ.
અદાણી સામ્રાજ્યમાં ટોટલનો સૌથી મોટા વિદેશી રોકાણકારમાં સમાવેશ થાય છે. ટોટલે અગાઉ અદાણીના રિન્યુએબલ એનર્જી વેન્ચરમાં હિસ્સો ખરીદ્યો હતો. આ કંપનીઓના નામ અદાણી ગ્રૂપ એનર્જી અને સિટી ગેસ કંપની અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.
જૂન 2022માં થયેલી જાહેરાત મુજબ ટોટલ એનર્જી અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝમાં 25 ટકા હિસ્સો ખરીદવાની હતી. આ કંપની ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં 10 વર્ષમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કરવાની હતી.