વડા પ્રધાન બોરિસ જૉન્સનની ટોરી પાર્ટીને શુક્રવારે બે સંસદીય પેટાચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એક બેઠક તો કન્ઝર્વેટિવ્સ દ્વારા ગત ચૂંટણીમાં રેડ વૉલ વિસ્તારમાંથી જીતવામાં આવી હતી. “પાર્ટીગેટ” કૌભાંડને પગલે મુશ્કેલીમાં મુકાયેલા બોરિસ જૉન્સન પર આ હાર નવુ દબાણ ઉભુ કરવું પડશે.
ટોરી પાર્ટીએ ડિસેમ્બર 2019ની સામાન્ય ચૂંટણીમાં 24,000થી વધુ મતોની જીતેલી ટિવર્ટન અને હોનિટન બેઠક અદભૂત પલટવારમાં લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા જીતવામાં આવી હતી. તો મુખ્ય વિપક્ષ લેબરે નોર્થ ઈંગ્લેન્ડના વેકફિલ્ડની બેઠક પાછી મેળવી હતી.
કોમનવેલ્થ સમિટ માટે રવાંડા ગયેલા જૉન્સને આ અગાઉ ગુરૂવારે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી હારશે તો પણ તેઓ રાજીનામું આપશે નહીં.
બંને બેઠકોના ભૂતપૂર્વ ટોરી સાંસદોએ તાજેતરના મહિનાઓમાં રાજીનામું આપ્યા પછી ગુરુવારે મતદાન યોજાયું હતું. ટિવર્ટન એન્ડ હોનીટનના ભૂતપૂર્વ એમપી નીલ પેરિશે હાઉસ ઓફ કોમન્સમાં પોતાના ફોન પર પોર્નોગ્રાફી જોવાની કબૂલાત કર્યા પછી રાજીનામું આપ્યું હતું. જ્યારે વેકફિલ્ડના ઈમરાન અહમદ ખાનને કિશોર પર જાતીય હુમલો કરવા બદલ જેલમાં ધકેલી દેવાયા હતા.
લિબરલ ડેમોક્રેટ્સે ટિવર્ટન અને હોનિટોન બેઠક 6,000 થી વધુ મતોથી જીતી હતી.